સંવત ૧૮૮૪ના આષાઢ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની૭૧ આગળ બહુ વાત કરી.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! કેવી રીતે વાત કરી?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડાં દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે.૩૫ જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં; ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડાં દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે, તે જ્યારે નવધા ભક્તિ માંહેલી જે ભક્તિ કરતાં થકાં એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન-સ્મરણનું અંગ દૃઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય, તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, ‘મારું તો એ જ અંગ છે.’ પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી, એ સિદ્ધાંતવાર્તા છે.