share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૩૩

મૂઢપણું, પ્રીતિ ને સમજણનું

સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન૧૩૪ અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો૧૩૫ એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં ત્રણ ભેદ છે.૧૩૬ એક મૂઢપણે૧૩૭ કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ૧૩૮ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દૃઢ પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ૧૩૯ વિશાળ હોય તે ભગવાનનું સગુણ૧૪૦-નિર્ગુણપણું૧૪૧ તથા અન્વય-વ્યતિરેકપણું૧૪૨ તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને૧૪૩ સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે૧૪૪ એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર૧૪૫ ને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દૃઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં.”

એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કહો તો તમને એક પ્રશ્ન પૂછું?” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “પૂછો, મહારાજ!” પછી એમ પૂછ્યું જે, “અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. માટે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે?” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં.

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૩૩ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૩૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક.

૧૩૫. અનન્ય શરણાગતિ. ‘હે પ્રભુ! હું આપના અપરાધમાત્રના સ્થાનરૂપ છું અર્થાત્ મેં આપના અનંત અપરાધ કર્યા છે. હું અનન્યગતિ છું અર્થાત્ આ અપરાધોમાંથી છૂટવા માટે મારી પાસે આપની કૃપા સિવાય કોઈ ઉપાય નથી. વળી, અકિંચન છું અર્થાત્ આપને પ્રસન્ન કરવા માટે પણ મારી પાસે કોઈ સાધન નથી. માટે હે પ્રભુ! મારા અભીષ્ટમાં ઉપાયભૂત થાઓ અર્થાત્ આપ જ મારું પરમ શ્રેય કરો.’

૧૩૬. આશરો તો એક જ છે પરંતુ ત્રણ પ્રકારથી થાય છે, માટે ‘આશરામાં ત્રણ ભેદ છે’ એમ કહ્યું છે.

૧૩૭. સચ્છાસ્ત્ર અને સત્પુરુષનાં વચનમાં પ્રહ્‌લાદ, વજીબા વગેરેની જેમ કેવળ દૃઢ વિશ્વાસથી.

૧૩૮. વ્રજવાસીઓની જેમ.

૧૩૯. નારદ-સનકાદિકની જેમ.

૧૪૦. સગુણપણું: જ્ઞાન, આનંદ વગેરે ગુણોથી યુક્તપણું.

૧૪૧. સર્વદા માયિકગુણે રહિતપણું.

૧૪૨. વચનામૃત ગઢડા પ્રથમ ૭માં કહ્યું છે.

૧૪૩. વચનામૃત કારિયાણી ૫માં તથા ગીતામાં “બહૂનિ મે વ્યતીતાનિ” આ શ્લોકને આરંભીને “જન્મ કર્મ ચ મે દિવ્યમ્” આ શ્લોક પર્યંત પાંચ શ્લોક (ગીતા: ૪/૫-૯)માં કહેલી.

૧૪૪. “યસ્યાક્ષરં શરીરમ્” (સુબાલોપનિષદ: ૭); “યસ્યાત્મા શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિનપાઠ: ૩/૭/૩૦); “યસ્ય પૃથિવી શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૩); “સર્વં ખલ્વિદં બ્રહ્મ” (છાન્દોગ્યોપનિષદ: ૩/૧૪/૧); “ઇદં હિ વિશ્વં ભગવાન્” (ભાગવત: ૧/૫/૨૦) ઇત્યાદિક શ્રુતિ-સ્મૃતિમાં કહ્યા અનુસાર જડ-ચૈતન્ય સર્વ જગત ભગવાનનું શરીર છે, તેમાં પોતે ભગવાન તેના આત્મા(ધારક, નિયંતા અને સ્વામી)પણે રહ્યા છે, તેથી અક્ષરાદિરૂપે પોતે જ વર્તે છે એમ કહે છે.

૧૪૫. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને અવતારો વગેરેથી શ્રેષ્ઠ.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase