સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૩ તેરસને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ધોળાં ને પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિષે ધોળાં પુષ્પનો દડો ફેરવતા હતા, એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે, ‘આણે પાપ કર્યાં હશે માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી;’ તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળાં કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે, જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું,’ એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”