share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૫૦

કુશાગ્રબુદ્ધિવાળાનું

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, “જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.૨૦૮ તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર-વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં?” પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં; માટે એને કુશાગ્રબુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્રબુદ્ધિવાળો છે અને જે જગત-વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્‌ગીતાનો શ્લોક છે જે,

‘’યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ॥’
૨૦૯

“એ શ્લોકનો એમ અર્થ છે જે, ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે કહેતાં ભગવાનનું ભજન નથી કરતા; અને જે જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતાં થકાં વર્તે છે. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતાં વિષયને ભોગવતાં થકાં જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્રબુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૫૦ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૨૦૮. કુશ એટલે દર્ભ, દર્ભનો અગ્રભાગ અણીદાર અને સૂક્ષ્મ હોય છે. જેની બુદ્ધિ આવી હોય તેને બ્રહ્મ અર્થાત્ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ “દૃશ્યતે ત્વગ્ર્યયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ।” (કઠોપનિષદ: ૧/૩/૧૨) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિઓ કહે છે.

૨૦૯. ગીતા: ૨/૬૯.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase