Show Shravan Audio
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૭
અન્વય-વ્યતિરેકનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને૨૩ સમજાતી નથી અને ભ્રમી જવાય છે, માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વ સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્મપણે૨૪ જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે; અને એ ત્રણ દેહથી પૃથક્પણે૨૫ સત્તામાત્ર૨૬ જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે; અને એ ત્રણ શરીરથી પૃથક્ ને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાનાં કાર્ય જે અનંત કોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે; અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે૨૭ જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે; અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોકધામને વિષે જે બ્રહ્મજ્યોતિ૨૮ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ૨૯ તે અનાદિ૩૦ છે.” ૩૧
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૭ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૨૩. વિદ્વાનોને પણ.
૨૪. ‘સ્થૂલાદિ દેહ તે જ હું છું,’ એવા અનાદિ અજ્ઞાનથી ઉપજેલ અહંભાવપણે.
૨૫. ચિદ્રૂપપણું, સ્વયંપ્રકાશપણું અને અછેદ્ય-અભેદ્યપણું વગેરે.
૨૬. જ્ઞાનસત્તામાત્ર એટલે છ વિકારે રહિત.
૨૭. અક્ષરધામમાં મૂર્તિમાન સેવકરૂપે તથા ધામરૂપે.
૨૮. બ્રહ્મજ્યોતિ અર્થાત્ અક્ષરધામ. આ વાક્યનો અર્થ પરથારાની ટીપણી ક્રમાંક-૧ પરથી જાણવો.
૨૯. પાંચેયનું પરસ્પર જુદાપણું.
૩૦. નિત્ય છે, પરંતુ ઔપાદિક નથી.
૩૧. આવી રીતે, અન્વય-વ્યતિરેકથી જીવ, ઈશ્વર વગેરે પાંચેય તત્ત્વોનાં નિરૂપણરૂપ અધ્યાત્મવાર્તાને બરાબર સમજવાથી બુદ્ધિમાં ભ્રમ થતો નથી, તે તાત્પર્ય છે.