॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૭૪
સમજણ આપત્કાળે કળાય છે
સંવત ૧૮૭૬ના વૈશાખ સુદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો. તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય ને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં; એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણે તો શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રીકૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અને એ શ્રીકૃષ્ણ ભગવાનની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે. અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનનાં ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને એ ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું; પછી એ ભગવાનની ઇચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઇચ્છાએ સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહીં; એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાનડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૭૪ ॥
This Vachanamrut took place ago.