॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૭૭
જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું
સંવત ૧૮૭૬ના દ્વિતીય જ્યેષ્ઠ વદિ ૩૦ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના જ્ઞાનની ઓટ્ય૩૧૦ લઈને જે ધર્મને ખોટા કરી નાંખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. તે શ્રીમદ્ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે.૩૧૧ માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કહ્યાં એવાં જે સાધુનાં ત્રીસ લક્ષણ૩૧૨ તે આવે છે. માટે જેમાં ત્રીસ લક્ષણ સંતનાં ન હોય તેને પૂરો સાધુ ન જાણવો. અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીસ લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું જે, ‘તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ,’ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી.”
પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! કોઈક ભગવાનનો અતિ દૃઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી, અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમે તો અતિ સમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખિયો થકો દેહ મૂકે છે, એનું શું કારણ છે? જે સારો હોય તેનું અંત સમે સારું ન દેખાય અને જેવો-તેવો હોય તેનું અંત સમે સારું દેખાય છે એનું કારણ કહો. એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર૩૧૩ એ આઠ જેવાં હોય તેવી પુરુષની મતિ થાય છે; તે જો સારાં હોય તો સારી મતિ થાય છે અને ભૂંડાં હોય તો ભૂંડી મતિ થાય છે. અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય; તે જો અંત સમે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઊઠે અને ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળિનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશય ભૂંડું દેખાય; એમ અંત સમે સારું-નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંત સમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતાં-ચાલતાં દેહ મૂકે છે, અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે, અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં. અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો જેવી ઈશ્વરની સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે, પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. એવી રીતે કાળે કરીને અંત સમે સારું-નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગે કરીને સારું-નરસું જણાય છે. અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી, વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે મૂકે પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્યમૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય. માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમે લાવાંઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશમાત્ર સંશય રાખવો નહીં.”
પાદટીપો
૩૧૦. ઓથ્ય - આશ્રય, બળ.
૩૧૧. જુઓ વચનામૃત ગ. પ્ર. ૬૨, ટીપણી-૨૩૫. [ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.]
૩૧૨. ૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્। ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).
૩૧૩. તેનાં બે કારણ છે: એક કાળ અને બીજી અવસ્થા. તે બંને શુભ અને અશુભ છે. તેમાં શુભ કાળ અને શુભ અવસ્થા અંત સમયે વર્તે તો મૃત્યુ શોભે છે અને અશુભ વર્તે તો શોભે નહિ. મૃત્યુ પછીની ગતિમાં તો શુભ-અશુભ કાળ અને અવસ્થા કારણ નથી, તેમાં તો પોતાનું ધર્માચરણ કારણ છે, આટલો વિશેષ અર્થ છે તેને વિસ્તારથી સ્પષ્ટપણે કહે છે.


