share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર ૬

એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું

સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થા વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ; તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા૨૫ છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક૨૬ છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની૨૭ નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન૨૮ કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ૨૯ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક૩૦ છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ-દુઃખરૂપ વાસનામય૩૧ ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા૩૨ કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે૩૩ કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ૩૪ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક૩૫ છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું૩૬ ને કર્તાપણું૩૭ એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના૩૮ સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે, તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિષે કર્મસંસ્કારે કરીને કર્તાવૃત્તિનું૩૯ જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન૪૦ કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને૪૧ વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત૪૨ કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે. અને એ જ અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન૪૩ તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ૪૪ કહે છે, અંતર્યામી૪૫ કહે છે, દૃષ્ટા૪૬ કહે છે, બ્રહ્મ૪૭ કહે છે, પરબ્રહ્મ૪૮ કહે છે.”૪૯

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ જે ચાર વાણી૫૦ તેને કેમ સમજવી?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધને૫૧ વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું છે જે સહસ્રદળનું કમળ તેને વિષે૫૨ પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક૫૩ એવો જે નાદ૫૪ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાં ઊંચો વૃદ્ધિને પામતો હવો. તેણે કરીને તે વિરાટપુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ૫૫ થતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના જે નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરા વાણી કહીએ. અને તે પરા વાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહરૂપ છે, ને અર્ધમાત્રારૂપ૫૬ છે. પછી તે પરા વાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠ દેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાં તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી; અને અકાર, ઉકાર ને મકાર૫૭ એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન૫૮ અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થતી હવી; એવી રીતે વિરાટપુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણી સમજવી.

“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ૫૯ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા-અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરા વાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે, તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતાં નથી.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૬ ॥ ૮૪ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૨૫. અહીં જણાવેલ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ ક્રમશઃ સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના કાર્યરૂપ છે. જ્યારે તે ત્રણેય ગુણો એક એક અવસ્થામાં વર્તતા હોય, ત્યારે જીવમાં તે એક જ અવસ્થા વર્તતી હોય છે. પરંતુ જ્યારે ગુણોનું પરસ્પર મિશ્રણ થતાં, અવસ્થાઓ પણ એકબીજાની અંદર મિશ્રણ પામે છે; તેવું કહેવાનો અહીં આશય છે. તેનો પ્રારંભ જાગ્રત અવસ્થાના વર્ણનથી કરે છે.

૨૬. સત્ત્વગુણના કાર્યરૂપ.

૨૭. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહના અભિમાનથી જીવનાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણ નામ પડ્યાં છે; તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે; તે જણાવવા અહીં વિશ્વાભિમાની શબ્દ વાપરે છે.

૨૮. રજોગુણપ્રધાન.

૨૯. તમોગુણપ્રધાન.

૩૦. રજોગુણના કાર્યરૂપ.

૩૧. વિનાશી અને અસ્થિર એવા શબ્દાદિ વિષયોનો મનમાં ભોગ.

૩૨. સત્ત્વગુણપ્રધાન.

૩૩. પ્રિય, અપ્રિય તેવા વિવેકે રહિત.

૩૪. તમોગુણપ્રધાન.

૩૫. તમોગુણના કાર્યરૂપ.

૩૬. જીવનું વિષયોને જાણવાપણું.

૩૭. જીવનું અહંવૃત્તિથી વિષયો માટે કર્મનું કરવાપણું.

૩૮. સગુણબ્રહ્મરૂપ પ્રધાનપુરુષ.

૩૯. કર્મનો કર્તા જે જીવ તેવી વૃત્તિનું.

૪૦. રજોગુણપ્રધાન.

૪૧. પ્રથમ સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સગુણબ્રહ્મ સંબંધી આનંદમાં.

૪૨. સત્ત્વગુણપ્રધાન.

૪૩. ત્રણ અવસ્થાથી પર.

૪૪. માંડુક્યોપનિષદ: ૧૨ વગેરે.

૪૫. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૩-૨૩ વગેરે.

૪૬. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૨૩ વગેરે.

૪૭. કેનોપનિષદ: ૧/૪-૮ વગેરે.

૪૮. શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૭ વગેરે.

૪૯. અહીં અંતર્યામી, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દોથી ત્રણ અવસ્થાથી પર ચતુર્થ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેમાં ચતુર્થ અર્થાત્ તુર્યાવસ્થાના અધિષ્ઠાતા તરીકે અલગ અલગ ઉપનિષદોમાં જે સ્વરૂપનું જે નામથી વર્ણન કર્યું છે તે શ્રીજીમહારાજ જણાવે છે પરંતુ બ્રહ્મ તથા પરબ્રહ્મને એક તત્ત્વ તરીકે જણાવતા નથી.

૫૦. તે જીવના અને વૈરાજના દેહમાં રહી છે.

૫૧. ભાગવત: ૧૧/૧૨/૧૭.

૫૨. “સહસ્રદળ કમળના નિવાસરૂપ વૈરાજપુરુષના મસ્તકમાં આવેલ બ્રહ્મરંધ્રમાં” - એવો વાક્યાર્થ સમજવો.

૫૩. અક્ષરબ્રહ્મ દ્વારા પ્રકટ કરેલો.

૫૪. જેને વ્યાકરણ દર્શનમાં ‘સ્ફોટ’ કહે છે.

૫૫. હૃદય પર્યંત.

૫૬. અર્ધમાત્રાના કારણરૂપ.

૫૭. નાભિ આદિક ચાર સ્થાનમાં પરા આદિક ચાર વાણીમાંથી અનુક્રમે અર્ધમાત્રા, મકાર, ઉકાર અને અકાર આટલા વર્ણ ઉત્પન્ન થાય છે.

૫૮. નારદપંચરાત્ર, સંકર્ષણસંહિતા: ૨/૧/૪૮.

૫૯. જીવનાં પણ નાભિ, હૃદય, કંઠ અને મુખમાં ભગવાનની ઇચ્છાથી જ ચાર પ્રકારની વાણી ઉદ્‎ભવે છે. તેમાં શરીરની અંદરના ત્રણ પ્રકારના વાણીના ભેદ તો જ્ઞાનીઓને પણ દુર્બોધ છે. મનુષ્ય તો કેવળ વૈખરી નામના ચોથા ભેદને જ જાણે છે. જીવની વૈખરી વાણીમાં જ વાણીના ચાર ભેદ મેં નિશ્ચય કરેલા છે તે સ્પષ્ટપણે કહું છું.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase