॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સારંગપુર ૮
ઈર્ષ્યાના રૂપનું
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ઈર્ષ્યાનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે. અને ઈર્ષ્યાનું એ રૂપ છે જે, પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં, એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે, આના હૈયામાં ઈર્ષ્યા છે. અને યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં.”


