વચનામૃત નિરૂપણ

કારિયાણી ૮

ગુણાતીતાનંદ સ્વામીએ કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે: “ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી, કેમ કે એ તો અતર્ક્ય વાતું છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચારજ (આચાર્ય) થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતાં આવડે છે તેવું તો કોઈને કહેતાં આવડતું જ નથી.” એમ કહીને કહ્યું જે, “ફેર વાંચો.” ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે, “સગુણ-નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે. અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે.” એમ કહીને બોલ્યા જે, “દસ શાસ્ત્રી વડોદરાના ને દસ શાસ્ત્રી સુરતના ને દસ શાસ્ત્રી અમદાવાદના ને દસ શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નીસરે?” ત્યારે રૂપશંકરે કહ્યું જે, “ના, મહારાજ. આવો પ્રસંગ શાસ્ત્રીથી નીસરે નહીં.” ત્યારે સ્વામી બોલ્યા જે, “છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય. પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં તો મહારાજને આવડે કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે, કેમ કે શુકજી ધ્યાનમાંથી નીસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા.”

[સ્વામીની વાતો: ૩/૬૭]

 

યોગીજી મહારાજ કહે, “કારિયાણીનું ૮મું તથા મધ્યનું ૧૭મું વચનામૃત સમજે તો છતી દેહે અક્ષરધામ દેખાય. આપણને જે પ્રાપ્તિ છે તે પ્રાપ્તિ બ્રહ્માંડમાં કોઈને નથી, એ કેફ રાખવો. શુષ્કપણું ન રાખવું. પ્રાપ્તિ, હેત સાચવી રાખવું. ખાતાં-પીતાં કેફમાં રહેવું. કોણ મળ્યા છે! ભગવાન ને સંત! તેનો કેફ રાખવો.”

[યોગીવાણી: ૧/૧૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ