વચનામૃત નિરૂપણ

કારિયાણી ૯

વડતાલમાં એક પાર્ષદે પાડાને કોઈક પ્રસંગે સારી પેઠે મારેલો. પછી પાડો આ પાર્ષદને જ્યાં જુઓ ત્યાં તેની પાછળ પડે. કાળાંતરે તે પાર્ષદનું અવસાન થયું ને અગ્નિસંસ્કાર પણ થઈ ગયા. ત્યારે પેલો પાડો સ્મશાનમાં ગયો ને પાર્ષદના પાર્થિવ શરીરની રાખમાં માથું ભરાવી તે ઉડાડવા માંડ્યો. મરતાં સુધી નહીં, પણ મરી ગયા પછીય રીસ ન જાય તે પાડાખાર કહેવાય.

ક્રોધી પ્રકૃતિની ચરમસીમા શ્રીજીમહારાજે વચનામૃત કારિયાણી ૯માં ચીંધી છે. અત્યંત ક્રોધી પાડાની જેમ ખાર રાખે.

[સ્વભાવવશ સંસાર: ૩૧]

 

તા. ૯/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળપ્રવચનમાં વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “કારિયાણી ૯માં ભીડો ખમવો તે ભક્તિ. ભક્તિ એટલે? નિર્દોષબુદ્ધિ, સેવાભાવ; ભગવાનમાં દિવ્યભાવ; સંબંધનો મહિમા. ઊંચે સાદે ન બોલાય. વેણ ન મરાય. વેણ માર્યું તે શાસ્ત્રીજી મહારાજને માર્યું કહેવાય. ઉદ્ધવજી તથા ગોપીઓની વાત શાસ્ત્રીજી મહારાજ બહુ કરતા. સ્વામીના સંબંધવાળાનો મહિમા આપણે સમજવો. એમની ચરણરજમાં રહેવાય એવું આપણે માંગવું. સંબંધનો મહિમાં જાણ્યો હોય તો રીસ ન ચડે. આંટી ન પડે. દાસપણું આવે. અવગુણ આવે જ નહીં. આપણે એની આગળ કુચ્ચા છીએ. દિવ્યભાવ રહે. આ વચનામૃત સિદ્ધ થાય તો દિવ્યભાવ અખંડ રહે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

 

તા. ૧૮-૨-’૬૩, રાત્રે ૮-૩૦ વાગે સ્વામીશ્રી મુંબઈ - દાદર ‘અક્ષર ભવન’માં આવી પહોંચ્યા. સંતોએ હાથે ગૂંથેલો મોટો પુષ્પનો હાર મહંત સ્વામીએ સંતો વતી સ્વામીશ્રીને અર્પણ કર્યો. સંતોને હળીમળી, થોડી વાત કરી, સ્વામીશ્રી નાહવા પધાર્યા. સ્વામીશ્રીનું આગમન થતાં સંતો-હરિભક્તોમાં ઉત્સાહ અનંત ગણો વધી ગયો હતો.

વળતી સવારે સ્વામીશ્રી સ્નાન કરી, ધોતિયું પહેરવા સંતોના ઓરડામાં પધાર્યા. ત્યારે ડૉક્ટર સ્વામીના ખાનામાંથી સ્ટેથોસ્કોપ કાઢી સંતોએ સ્વામીશ્રીને આપ્યું. તે કાને લગાવી સ્વામીશ્રીએ નારાયણ ભગતની છાતી પર મૂક્યું. પછી ધબકારા સાંભળીને કહે, “‘અક્ષરધામ લેવું છે’ એમ સંભળાય છે.” સ્વામીશ્રીના આ શબ્દો, આ ભાવના, અક્ષરધામનું સુખ સૌને આપવાની એકમાત્ર રટનાથી, સૌ પહેલાં તો અવાક્ થઈ ગયા. પછી ખડખડાટ હસી પડ્યા.

પછી સ્વામીશ્રી કથા કરતા હતા ત્યારે મંદિરનો ગુરખો ચોકીદાર સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. સ્વામીશ્રીએ કહ્યું, “જાવ, મોક્ષ થઈ ગયો.”

કથામાં કારિયાણીનું ૯મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“રીસ ન ચડે અને અવગુણ ન આવે એનો ઉપાય નિર્દોષભાવ. સંબંધવાળા છે, એકાંતિક છે, એમ ભક્તિ હોય. ગ. પ્ર. ૩૦ પ્રમાણે ભક્તિ. ભગવાન જેવા અક્ષરધામમાં સાકાર છે, તેવા જ પ્રગટ છે. અને મહિમા હોય તો... “‘તુલસી જા કે મુખનસે...’ સંબંધવાળાને માટે દેહ આપી દે. અવગુણ આવે છે તો ભક્તિ અને મહિમા બે વધતાં નથી. આંટી પડે તેને ખરું હેત ન કહેવાય. આ બધા સંત પૂર્વના. હેત થાય ને નાસી ન જાય તે પૂર્વના. ભીડો પડે તો ભાગી જાય, તે આ જન્મના.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૩૮]

 

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ. રવિસભામાં વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “રીસ રાખે, આંટી રાખે, તે સાધુ ન કહેવાય. જળમાં લીટો. ભક્તિ એટલે ભગવાન અને સંત ઉપર હેત. મહિમા સંબંધનો સમજવો. આ શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા એનો અવગુણ કેમ આવે? તેની સાથે કેમ ન બને? શાસ્ત્રીજી મહારાજનું કોઈ ગમે એટલું અપમાન કરે તોય મંદિરે દર્શને જાય. રીસ આવે, આંટી પડે, તો મહિમામાં ખામી છે.

“ઉદ્ધવજીને પાંચ હજાર વર્ષ થઈ ગયાં તો પણ આગળ કરે છે. તેમ મારા ભક્તોનો મહિમા સમજશે તો નામ આગળ આવશે. ઉદ્ધવજીએ ‘તૃણ થાઉં’ એવું માગ્યું, પણ ‘સુપ્રિટેન્ડેન્ટ સાહેબ થાઉં’ એવું એવું માગ્યું?

“આ વચનામૃત સાંભળે તો હૈયામાં ટાઢું થઈ જાય. ભૂખ લાગી હોય ને કોળિયો ભરીએ – હૃષ્ટિ, પુષ્ટિ ને સંતોષ થઈ જાય. દિવ્યભાવ-એકાત્મપણું થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૯]

 

વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજે કહ્યું, “રીસ ન ચડે અને અવગુણ ન આવે એનો ઉપાય નિર્દોષભાવ. સંબંધવાળા છે, એકાંતિક છે, એમ ભક્તિ હોય. ભગવાન જેવા અક્ષરધામમાં સાકાર છે, તેવા જ પ્રગટ છે – એવો મહિમા હોય તો ‘તુલસી જા કે મુખનસે...’ સંબંધવાળાને માટે દેહ આપી દે. અવગુણ આવે છે તો ભક્તિ અને મહિમા બે વધતાં નથી. આંટી પડે તેને ખરું હેત ન કહેવાય.”

[યોગીવાણી: ૧૦/૪૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ