વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૮

ગુણાતીતાનંદ સ્વામી કહે, “યજ્ઞ કરનારા દસે દિશાયુંમાં ઘોડો ફેરવીને જીત કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. તેમ જેણે દસ ઇન્દ્રિયુંરૂપ દસ દિશાયું જીતી છે, કહેતાં જેની વૃત્તિ કોઈ વિષયમાં લેવાતી નથી તેવા સંતમાં જોડાય ત્યારે તેનો જ્ઞાનયજ્ઞ પૂરો થઈ રહ્યો, તે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કર્યા જેવું છે.

[સ્વામીની વાતો: ૫/૧૨૭]

 

જાન્યુઆરી, ૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા મધ્ય ૭, ૮ વંચાયાં તે પર યોગીજી મહારાજે વાત કરી, “... પ્રગટ હોય તે સામું જોઈ રહેવું તે અંતર્દૃષ્ટિ. પ્રગટ સામું જોવું ને આજ્ઞામાં રહેવું તે સાચું ધ્યાન છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૬]

 

તા. ૨૮/૧૨/૧૯૬૭, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “અક્ષરપુરુષોત્તમના આશ્રિત થાય તેને જ્ઞાનયજ્ઞ થયા જ કરે છે. ઊંધું વાળીને બેસવું તે જ્ઞાનયજ્ઞ નહીં. સેવા કરવી તે જ્ઞાનયજ્ઞ.

“સંબંધ કોને કહેવાય? ગુણાતીત પુરુષ પાસે આવે તે સંબંધ. એકાત્મપણું. ભગવાનને પામ્યાનો માર્ગ સત્પુરુષ છે.

“પરમપદ કોને કહેવાય? ગુણાતીતની પ્રાપ્તિ. ગુણાતીત રાખ્યા પછી ગુણ આવ્યા વગર રહેતા નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૯૫]

 

એકાદશીના ફાયદા ગણાવતાં યોગીજી મહારાજ કહે, “ઉપવાસથી ફાયદા ઘણા:

(૧) અજીર્ણ મટી જાય.

(૨) શક્તિ સચેતન થાય.

(૩) આત્મબળ વધે.

(૪) મોટાપુરુષ રાજી થાય.

(૫) ભગવાનનો સાક્ષાત્કાર થાય.

(૬) તપ જેવું વહાલું છે વહાલમને...

(૭) દેહદમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો-અંતઃકરણ જિતાય.

(૮) સ્ફૂર્તિમાં રહેવાય.

(૯) ઉપવાસથી વહેલા ઉઠાય. ઊંઘનો સંકોચ રહે.

(૧૦) તાવ-તરિયો, મંદવાડ ન આવે.

(૧૧) શરીરને પાવર આવે.

“એમ ફાયદા બહુ. પાંચ દીએ ઉપવાસ કરીએ તો ટેવ પડી જાય. અપવાસથી ફળ મળે.”

[યોગીવાણી: ૨૪/૧૯]

 

યોગીજી મહારાજ કહે, “‘બંડમાં ક્યાં ભળ્યા? નરકમાં જશો’ એમ કહે ને ધોકાપાટી કરે તે તામસી યજ્ઞ. ઇન્દ્રિયોથી ખટપટ, આઘું-પાછું ન કરવું. સત્સંગમાં કુસંગ કહેવાય. ગુણાતીત એ બ્રહ્માગ્નિ છે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. લુહાર પણ કંદોઈનું કામ કરે તો કંદોઈ કહેવાય. બ્રહ્મને ત્યાં જનમ થયો છે એ છેલ્લી સ્થિતિનું જ્ઞાન. આ પ્રગટ જોવા કે અંદર જોવા તે અંતર્દૃષ્ટિ. ધ્યાન ધરીને ઘણા બાવા-મહાત્માઓ બેઠા છે. પણ તે બધી બાહ્યદૃષ્ટિ. જેને ભગવાન ને સંત મળ્યા તે અંતર્દૃષ્ટિ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૨૧]

 

તા. ૩/૪/૧૯૫૯, એકાદશી. બપોરે કથામાં અડવાળના હરિભક્તો સૌ બેઠા હતા. વચનામૃત ગઢડા મધ્ય ૮ વચનામૃત ઉપર વાત ચાલતી હતી. સ્વામીશ્રી કહે, “યજ્ઞમાં જવ, તલ હોમે તેમ આપણે ઇન્દ્રિયોની વૃત્તિઓને હોમવી. કયો યજ્ઞ? કેમ થાય? મફત થાય છે ને? કે પૈસા ખરચવા પડે? હોમ્યું એટલે શું થયું? એ રૂપ પામી ગયો. ગોપી કહે, ‘હું કૃષ્ણ, ગોવર્ધન મેં તોળ્યો...’ એમ આપણે તદ્વત ભાવને પામી જઈએ. તો એ રૂપ થઈ જઈએ... ઇન્દ્રિયોની વૃત્તિ ગુણાતીત સ્વરૂપમાં હોમવી એ યોગયજ્ઞ. હોમવી એટલે? એ રૂપ થઈ ગયો, ગુણાતીતના આકારે વૃત્તિઓ થઈ જાય. એ ભાવને પામી જાય. સંત આકારે વૃત્તિઓ થઈ જાય ત્યારે ફળ પ્રગટ થાય... અંતર્દૃષ્ટિએ વર્તવું તે જ્ઞાનયજ્ઞ. કથાવાર્તા એ જ્ઞાનયજ્ઞ છે... ભણ્યાનું ફળ શું? નોકરી મળે. યજ્ઞનું ફળ સાક્ષાત્કાર દર્શન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૩]

 

યોગીજી મહારાજ કહે, “એક એકાદશીનો ઉપવાસ કરીએ એનું એક લાખ વરસ સુધી રોજ ૬૦,૦૦૦ ઋષિઓને જમાડ્યા જેટલું ફળ થાય. કેટલું બધું પુણ્ય થયું? પુણ્યનો થોક! તે દિવસ ખરેખરો કેફ રાખવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૨૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ