વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૯

મધ્યનું નવમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે.”

[સ્વામીની વાતો: ૧/૨૬૧]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.” ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ કેમ જાણવા? ને બ્રહ્મરૂપ કેમ થવાય?” ત્યારે કહ્યું જે, “મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.” તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

 

મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જાશે તો પણ અક્ષરધામમાં જાશે; ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઊર્ધ્વરેતા હશે; પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જાશે.”

[સ્વામીની વાતો: ૫/૩૦૪]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.”

[સ્વામીની વાતો: ૫/૩૩૮]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે, તેની ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસના કરીને તો તેના ધામમાં જાય. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહ્‌લાદ છે તે વાત ભાગવતમાં કહી છે; જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે, તેમાં ચાર હાથ ને મહાકુટ્ય, એમાં શું? એ તો કાંઈ ઠીક નહીં. ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તે ગોલોકમાં જાશે, ત્યાં ગાયું, વાછડાં ને ગોપ-ગોપિયું એ છે, તેમાં પણ શું? માટે ક્યાંઈ અક્ષરધામના જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘જેવો મુને જાણશે તેવો તો હું તેને કરીશ.’ તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય. તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઈ જાય છે.” ત્યારે એક જણે કહ્યું જે, “જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું, ને ભગવાનનાં ધામ તો બધાય સરખાં. અમથા શું કૂટો છો?” ત્યારે સ્વામી કહે, “તારા ને ચંદ્રમા તે કાંઈ એક કહેવાય નહીં. ને મહારાજે પણ કહ્યું છે જે, અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે, રાજા ને રાજાનો ઉમરાવ ને તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે. ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ છે.” તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે, “બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતાર ને મહારાજને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો.” એ વંચાવીને પાછો પાડ્યો.

[સ્વામીની વાતો: ૬/૨૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ