વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૩૦

વચનામૃત ગઢડા મધ્ય ૩૦મું વંચાવી યોગીજી મહારાજ કહે, “એક વખત ગુણાતીતાનંદ સ્વામી ઘોઘાવદર પધાર્યા. પછી નદી કાંઠે શંકરના દેરામાં આરામ કરતા હતા અને જાગા સ્વામી વચનામૃત વાંચતા હતા. તેમણે પાંચ વચનામૃત - પ્રથમ ત્રેવીસમું, મધ્યનું ત્રીસમું ને પીસ્તાલીસમું તથા અમદાવાદનું બીજું ને ત્રીજું વાંચ્યાં. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા, ‘આ વચનામૃત જાણે સાંભળ્યાં જ નહોતાં.’ એમ કહીને બોલ્યા જે, ‘ફરીથી વાંચો.’ ત્યારે ફરીથી વાંચ્યાં. શું સ્વામીએ કોઈ વાર નહોતાં સાંભળ્યાં? સાંભળ્યાં હતાં, પણ એવો પ્રેમ આવી ગયો ને પોતાને વાત કરવાની ઇચ્છા થઈ, કેમ જે, પાંચેયનો ભાવ ને સાર એકસરખો છે અને એક જ દોર ચાલ્યો આવે છે.

“જુઓ, શ્રીજીમહારાજ ભાગવતના આધારે કહે છે. પરોક્ષના કહેશે કે સ્વામિનારાયણ સમ્પ્રદાય તો વાડો છે, પરંતુ શ્રીજીમહારાજ બધાં સત્શાસ્ત્રનો સાર લઈને લખે છે. વાડો હોય તો બીજાનો મત મહારાજ લે? બધું એકનું એક. પણ કોઈને સમજવું નથી.

“મહારાજ આ વચનામૃતમાં કહે છે જે: ‘શાસ્ત્રમાં જેમ કહ્યું છે તે પ્રમાણે જ થાય છે, પણ તેથી બીજી રીતે નથી થતું. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, સુવર્ણને વિષે કળીનો નિવાસ છે.’ તે અમે નજરે જોયું. અહીં સોનાની ખાણો છે તેમાં કળી બેઠો જ છે, તે કોઈને દેશ છોડવો નથી. તૂટાતૂટ થાય છે, મારકૂટ થાય છે. મોટાઓને જુઓ તો પૈસાનો ઠઠારો બહુ, દેખાવ પૂરતો; પણ એ મર્યાદા માટે વાપરી શકે નહીં. કુબેર ભંડારીની ભારે ચોકી છે...

“માટે સુવર્ણ ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. અતિ એટલે કેવાં? તો એમાં વૃત્તિ ખૂંચે તો નીકળે નહીં; ભૂત થવું પડે. મહારાજ કહે, ‘હું એવો માર્ગ બતાવું કે જેમાં કોઈ બંધન ન થાય.’

“પોતાને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ માને. તે કોણ? તો ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર’ એમ માને તે. અને એમ જે ન માને તે ગોબરો બ્રહ્મ! શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ નહીં. પોતાની મેળે માવજીભાઈ થાય ને બ્રહ્મ માને, પણ બ્રહ્મના એકેય ગુણ ન હોય. માટે ગુણાતીતને બ્રહ્મ માન્યા વિના બ્રહ્મરૂપ થવાય જ નહીં. શ્રીજીમહારાજ કે અક્ષરબ્રહ્મ કે અક્ષરરૂપ (અક્ષરસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ) સંતની સાક્ષાત્ પ્રાપ્તિ વગર કોઈ બારોબાર પરોક્ષભાવે બ્રહ્મરૂપ થઈ શકતો નથી; પણ સાક્ષાત્ બ્રહ્મરૂપ (બ્રહ્મસ્વરૂપ) સંતનાં શ્રવણ, મનન ને નિદિધ્યાસથી એ માર્ગ હાથ આવે. આપણે કાઈ માનવાથી થઈ ગયા નથી, પણ થવાશે. છઠ્ઠી ચોપડીમાં બેઠા ઈ છઠ્ઠી ભણે છે એમ કહેવાય, તેમ અક્ષરધામનું લેસન ચાલતું હોય તો અક્ષરરૂપ મનાય અને થઈ જાય.

“પછી બેસી રહેવું ને? ના, પરબ્રહ્મનું ભજન કરે અને ભગવાનથી પર કોઈને જાણે જ નહીં. બીજું, પ્રકૃતિનું કાર્યમાત્ર નાશવંત જાણે. કાળનું ભક્ષણ, અસત્ય, ખોટું ને તુચ્છ ને નમાલું માને. એમ અતિશય દોષદૃષ્ટિ રાખે, થોડો પણ માલ ન માને. પછી એને લાખ મણ સોનું કોઈ આપે તો પણ મોહ ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૫]

 

યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૩૦ના વચનામૃતમાં પ્રકૃતિપુરુષથી પર જે શુદ્ધ બ્રહ્મ કહ્યું છે, ત્યારે એ સિવાયનું બીજું બ્રહ્મ ક્યું?” તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહાપુરુષ એ પ્રકૃતિ-વેષ્ટિત બ્રહ્મ છે, ગઢડા મધ્ય ૩૧ વચનામૃત પ્રમાણે.”

[યોગીવાણી: ૨૪/૧૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ