વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૩૭

તા. ૧૦/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૩૭ વંચાવી યોગીજી મહારાજ કહે, “ગીતામાં કહ્યું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. આ વચનામૃત આપણે જાત ઉપર નાખવું. કો’કના ઉપર નહીં. શૂરવીર થાવું. જે પ્રકૃતિ-ટેવ પડી હોય તે કાઢી નાખવી. સ્વભાવ મુકાવવા સત્પુરુષ જે ઉપાય કરે તેનો વિશ્વાસ રાખે, ખબર રાખે, તો ફર્સ્ટ પાસ થાય; નહીં તો બે વરસેય પાસ ન થાય. સત્પુરુષ જે કહે તેમ વર્તવું. સત્પુરુષ મૂંગા ન હોય. તે બોલે. બોલ્યામાં વિશ્વાસ રાખવો. શબ્દ ઝીલ્યા કરે એ પ્રીતિ. ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તોય હિતકારી માને, તો એકેય પ્રકૃતિ ઊભી ન રહે. જેને મોક્ષનો ખપ હોય તેને સારુ આ ઉપાય છે. ‘ગમે તેટલો તિરસ્કાર.’ એમાં માપ આવ્યું? આ કો’કના સારુ વાત છે? આપણા સારુ છે. કોઈ રીતે હૃદયમાં દુઃખ લગાડવું નહીં.

“કઠણ વચન ને તિરસ્કારમાં ફેર શો? તિરસ્કાર એટલે કાઢી મૂકે કે, ‘ભાગી જા! તારું મારે મોઢું જોવું નથી.’ કઠણ વચન એટલે ‘મૂરખ’ કહે. બે વચન સૂણીને હાણ થાય. મૂળજી-કૃષ્ણજીને ધોકાવીને કાઢ્યા, ત્યાં કીર્તન ગાવા લાગ્યા. કેટલી શ્રદ્ધા! મોટાપુરુષનું વચન એ જ ભક્તિ. ત્યાગ-વૈરાગ્ય હોય, છતાં મોટા કહે, ‘જમી લો,’ તો જમી લેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]

 

તા. ૩૦/૩/૧૯૭૦, મ્વાન્ઝા. બપોરે ૧:૩૦ વાગ્યે મધ્ય ૩૭ વંચાવી યોગીજી મહારાજ કહે, “સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિઓ ત્રણ છે: હઠ, માન અને ઈર્ષા. આ ત્રણ પ્રકૃતિઓ બહુ મોટિયો. તે મોક્ષમાંથી પાડે. બીજી પ્રકૃતિ મોક્ષમાંથી પાડે નહીં. પ્રકૃતિ નાની-મોટી, ખાવાની-પીવાની, ઊંઘવાની ઘણી હોય; પણ આ ત્રણ જ મોક્ષમાં નડે છે. મત્સર તો થોડો-ઘણો હોય, પણ મોક્ષમાંથી ન પાડે. શ્રીજીમહારાજ ઉપર ત્રણે વાનાં લગાવ્યાં તો ત્રણે પડી ગયા. હઠે ચડે તે માને નહીં. ફૈબા ક્યાં ભૂલ્યાં? હઠમાંથી પડ્યાં. અલૈયોખાચાર માને કરીને પડ્યો ને જીવોખાચર ઈર્ષાએ કરીને પડ્યો. માટે, મોટા કહે આમ તો આમ, એમ સરળ પ્રકૃતિ રાખવી. તે મોક્ષમાંથી ન પડે. ધાર્યું છોડાવે ને ખોટું લાગે તે કો’ક દી’ પડી જાય. સ્વભાવ કાઢવા.

“આ મુદ્દાનું વચનામૃત છે. સમજી સમજીને આટલું સમજવાનું છે કે સ્વભાવ કાઢવા. હઠ, માન, ઈર્ષા ન રાખવાં.

“જૂનાગઢમાં ઈશાનંદ બ્રહ્મચારી હતા. એક પાળાએ તેમને કહ્યું, ‘મારામાં કાંઈ ભૂલ હોય તો કહેજો.’ તેને ઝોલાં ખાવાની ટેવ. તે એક દી’ સભામાં ઝોલાં ખાતો હતો. માથું ભોંય અડ્યું. સભામાં સ્વામીએ કહ્યું, ‘અલ્યા, ઝોલું કેમ ખાય છે?’ આને ફીસી ચડી ગઈ. ‘મને સભામાં ટોક્યો? ખાનગીમાં ટોકવો હતો.’ એમ સ્વામી ઉપર ક્રોધ કર્યો. એ સ્વભાવ ન ગયો. મોક્ષનો ખપ હોય તો સ્વભાવ છોડી દે. ખપ ન હોય તો જરા જરા વારમાં ખોટું લાગી જાય.

“વચનામૃત નત (નિત્ય) વંચાવીએ છીએ, પણ ટાણે મિયાં ફસકું થઈ જાય છે. ટાણે દૂધ ફાટી જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૧૮]

 

યોગીજી મહારાજ કહે, “મૂંઝવણ થાય તેને આત્મારૂપ થઈ શકાતું નથી. સત્પુરુષને આપણો વિશ્વાસ કેમ આવે? માથું મૂક્યું હોય તો ‘ગમે તેવું કઠણ વાક્ય કહીશું તો જાય એવો નથી.’ એમ મોટાપુરુષ જીવને ઓળખે છે. તે પત્તર ઊંચકાવી લે. દૂધપાકની રસોઈ હોય ને અપવાસ કરાવે તો મૂંઝવણ થાય કે ‘કાલે કરશું.’ પણ ‘આજ જ ઠપકારો!’ તે મોક્ષભાગી ખમે, બીજો નહીં. બીજો ભાગી જાય. મોક્ષ બગાડે. ખપવાળાને પ્રકૃતિ ટાળવાની ઇચ્છા હોય. ગમે તેટલા તિરસ્કાર કરે, માપ વિનાના, ગમે તેટલાં કઠણ વચન કહે. આવી કસણીમાં પાસ થઈએ તો મોક્ષમાં ફર્સ્ટ નંબર. કસણીમાં કોઈ રીતે દુખાવું નહીં. કહેનારાનો ગુણ લેવો, અવગુણ ન લેવો. એમ વર્તે તો ચંચળ પ્રકૃતિ હોય તોય ટળી જાય છે.”

[યોગીવાણી: ૨૮/૨૬]

 

યોગીજી મહારાજ કહે, “મધ્યના ૩૭મા વચનામૃતમાં કહ્યું – જ્ઞાની પણ પ્રકૃતિ અનુસાર આચરણ કરે. ઉપદેશના કરનારા કઠણ વચન કહે તેને હિતકારી માને અને કહેનારાને વિષે હેત અને વિશ્વાસ હોય તો પ્રકૃતિ ટળે. માટે વેગમાં ન આવવું. વેગમાં આવવાથી પ્રકૃતિ ટળતી નથી. સત્પુરુષ દુખવીને વચન કહે, તો ગમે તેટલો વેગ હોય તો પણ તે મૂકીને સત્પુરુષ કહે તે પ્રમાણે કરે તો જ પ્રકૃતિ ટળે.”

[યોગીવાણી: ૧૩/૪]

 

યોગીજી મહારાજ કહે, “મનુષ્ય દેહનું ફળ શું? સારાનો સંગ અને સ્વભાવ ટળે. સંગ તો થીયો, પણ સ્વભાવ નડે છે. ગઢડા મધ્યનું ૩૭મું વચનામૃત સિદ્ધ કરીએ તો સ્વભાવ ટળે. આવો ઉપાય તો ગીતા, ભાગવતમાં પણ બતાવ્યો નથી. મહારાજ કહે છે, ઉપદેશનો કરનારો ગમે તેટલાં કઠણ વચન કહે, તો પણ હિતકારી માને. તિરસ્કાર કરે, કાઢી મૂકે, તો પણ કોઈ રીતે દુખાવું નહીં.”

[યોગીવાણી: ૯/૩૦]

 

યોગીજી મહારાજ કહે, “તિરસ્કાર અને કઠણ વચનમાં શું ફેર? તિરસ્કાર એટલે કાઢી મૂકે ને કઠણ વચનના ડંખ સ્વભાવ ઉપર મારે.”

[યોગીવાણી: ૨૪/૨૧૯]

 

યોગીજી મહારાજ કહે, “કઠણ વચન એટલે આકરામાં આકરું. મોવાળા બાળી દે એવું. મધ્યનું ૩૭ વાંચો. ‘જે જે વચન કહે તેને હિતકારી જ માને...’ આ આપણે બોલતા નથી, મહારાજ કહે છે. કઠણ વચન કહે તેમાં પણ અંદર દુઃખ ન લાગે તે પહેલો નંબર. દુઃખ લાગે તે બીજો નંબર. આપણે કોઈનો અવગુણ નથી લેતા, તો શાંતિ. અવિવેકી, અવગુણ લે તે સત્સંગમાં જ હોય, નાહી (નાસી) નથી જતો; પણ ઘટતો જાય છે. મોટા વચનામૃત વાંચતા હોય ત્યારે એમ સમજે કે: ‘હું એ વચનામૃત સમજું છું,’ એ ગુણનું માન.”

[યોગીવાણી: ૧૫/૨૫]

 

તા. ૨૫/૧૦/૧૯૫૬, ગોંડલ, કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “ખપ બે વાતનો રાખવો. એક તો મોક્ષનો અને બીજો સ્વભાવ ટાળવાનો. વચનામૃત મધ્યનું ૩૭મું. હું જ્યારે સાધુ થવા પ્રથમ કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવ્યો ત્યારે તેમણે આ વચનામૃત મોઢે કરાવેલું અને સિદ્ધ કરાવેલું. સત્પુરુષના વચનમાં વિશ્વાસ, દૃઢ શ્રદ્ધા અને ગમે એવું વચન કહે તેને પોતાનું હિતકારી માની વાતના કરનારાનો ગુણ જ લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૩૪]

 

યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ ટાળવી. ગઢડા મધ્ય ૩૭ અને ગઢડા અંત્ય ૩૫ બંને વચનામૃત પ્રકૃતિ ટાળવાનાં છે. તે સિદ્ધ કરવાં. પ્રકૃતિ મરોડે અને મુંઝાય, પણ પોતાનો અવગુણ લે તે સારો. સંતનો અવગુણ લે તે વધે નહીં. પ્રયત્ન કરે તો પ્રકૃતિ ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ