વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૬૩

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કૃપાનંદ સ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં, માટે મોટા સાધુ સાથે વાદ મૂકી અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેટલા બળિયા થવાશે. આ સંગ એવો છે ને આ સંગમાં ઉપાસના, ધર્મ વગેરે સર્વે છે. કાંઈ બાકી નથી.” તે ઉપર ગઢડા મધ્ય પ્રકરણનું ત્રેંસઠમું વચનામૃત બળ પામવાનું વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૫/૧૬૮]

 

સં. ૧૯૫૨. મહુવામાં ભગતજીએ ગણપતરામ પાસે વચનામૃત ગઢડા મધ્ય ૬૩મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી, “આ વચનામૃત બળ પામવાનું છે. સત્સંગ તો જ્યારથી સત્પુરુષની ઓળખાણ થાય અને તેને વિષે નિષ્ઠા થાય ત્યારથી થયો ગણાય, પણ જેટલી શ્રદ્ધા સોતો એ જીવ સત્પુરુષમાં જોડાય છે તેટલો એનો જીવ બળને પામે છે. તેવા બળિયા હરિભક્તની ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિઓ જીવની દોરી જ દોરાય છે અને ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિ નોખી અને જીવની વૃત્તિ નોખી એવું રહેતું નથી. જીવની જે વૃત્તિ હોય તે જ ઇન્દ્રિયો-અંતઃકરણની હોય; એમ બંને એક થઈ જાય છે. માટે ભગવાન અને ભગવાનના સંત તેને વિષે જેને પ્રીતિ હોય અને તેની સેવાને વિષે જેને અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેવાનો જીવ તો તત્કાળ અતિશય બળને પામે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અતિશય સેવા, અતિશય શ્રદ્ધા અને માહાત્મ્યજ્ઞાને યુક્ત ભક્તિ – આ ત્રણ સાધનથી જીવ જેવો બળને પામે છે, તેવો તો દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક સ્થપાય અને કદાચ દ્રષ્ટારૂપ રહેવા માંડે તો પણ એવા બળને નથી પામતો. કારણ મહારાજે આગળ કહ્યું છે કે: ‘સત્તારૂપે રહેવું તે કરતાં પણ ભગવાનના ભક્તા ભેળે દેહ ધરીને રહેવું તે અતિશય શ્રેષ્ઠ છે. અને રખે સત્તારૂપે રહીએ અને પાછો દેહ ન ધરાય?’ તે માટે મહારાજે સમૈયા, રાસ, ઉત્સવ યોજી પોતાના ભક્તોને અખંડ પોતાની પાસે જ રાખ્યા છે અને આવી રીતની ભક્તિ શિખવાડી છે. મોટા મોટાએ પણ એ જ કર્યું છે. સ્વામીએ માંદા સાધુની અનેક પ્રકારે સેવા કરી. અમોએ પણ જૂનાગઢમાં સ્વામીની અનુવૃત્તિ સાચવી અખંડ સેવા કરી છે. માટે ભગવાનના ભક્તની સેવા બરોબર કોઈ પુણ્ય નથી. ભગવાનના ભક્તનો મહિમા સમજી તેમની સેવા કરવી, પણ કોઈ રીતે તેમની સાથે આંટી તો પાડવી જ નહીં અને તેમનો દ્રોહ તો કરવો જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૧૧]

 

યોગીજી મહારાજ કહે, “બળ પામવાનો ઉપાય ગઢડા મધ્ય ૬૩માં કહ્યો છે: સેવાને વિષે અતિશય શ્રદ્ધા, સંતને વિષે પ્રીતિ અને માહાત્મ્યે યુક્ત નવધા ભક્તિ. આ ત્રણ દૃઢ કરીને રાખવાં અને શુદ્ધભાવે સત્સંગ કરવો. તે શુદ્ધભાવ એટલે, જે અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, તે આજે આપણને સંત દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે; એવી નિષ્ઠાએ સહિત સત્સંગ એ જ શુદ્ધભાવે સત્સંગ. તે થાય ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ થઈ જાય. એવા એકાંતિક પુરુષ મળે તો જ એવો ધર્મ સિદ્ધ થાય. માટે ઓળખીને ભજન કરી લેવું.”

[યોગીવાણી: ૩/૧૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ