વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૬૭

ગુણાતીતાનંદ સ્વામી કહે, “પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે.” તે ઉપર વચનામૃત વંચાવ્યું કે, “જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.”

[સ્વામીની વાતો: ૧/૧૮૮]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે; તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.’ માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે.”

[સ્વામીની વાતો: ૨/૨]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “ઉપાસના ને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.” તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (વચનામૃત ગઢડા મધ્ય ૬૭) વંચાવીને બોલ્યા જે, “જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે.”

[સ્વામીની વાતો: ૩/૬૬]

 

મે, ‘૬૫ (મહા સુદ ૪, ૨૦૨૧), અટલાદરા. યોગીજી મહારાજ કહે, “એવા જે સંત (શાસ્ત્રીજી મહારાજ) આપણને મળ્યા છે. તેમનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. ને જેટલો મહિમા ગાઈએ એટલો આપણો થશે. ગઢડા મધ્યનું ૬૭ વચનામૃત છે. જેવો જાણે એવો પોતે થાય. મીઠા જળનો દરિયો ભર્યો છે, પણ જેટલું પાણી ભરી લીધું એટલું આપણા કામનું તો જેટલો મહિમા સમજીએ એટલો આપણો, એ તો અપારના અપાર!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ