વચનામૃત નિરૂપણ

વરતાલ ૫

યોગીજી મહારાજ કહે, “આશરાનું વચનામૃત વરતાલ ૫. અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તારા મનના માનેલા સર્વે ધર્મોને તું ત્યાગ કર. એ પ્રમાણે અર્જુન વર્ત્યા તો ભગવાનનો રાજીપો થયો. એમ ભગવાનની મરજી પ્રમાણે વર્તે તો ભગવાન રાજી થાય. આશરો એ જ ભક્તિ છે. આ જોગ થઈ ગયો. એ મોટા ભાગ્ય. નહીં તો લાખો વરસ તપ કરે તો પણ આ જોગ ન મળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૫]

 

તા. ૧૯/૪/૧૯૭૦, મોમ્બાસા. લોહાણા એસેમ્બલી હૉલમાં યોગીજી મહારાજ કહે, “નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, ‘આશરાનું શું રૂપ છે?’ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણે પ્રેમથી ઉત્તર આપ્યો, ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ! હે અર્જુન! તારું મનધાર્યું મૂકી દે. હું કહું તેમ કર.’ અર્જુને તેમ કર્યું, તો તેની જીત થઈ. મહારાજે તેમની મૂર્તિ નરનારાયણની અમદાવાદમાં બેસાડી. આશરો કર્યાનાં ત્રણ લક્ષણ છે: (૧) મહાપ્રલય જેવું દુઃખ આવતું તો નથી. કદાપિ આવી પડે તોય રક્ષાના કરનારા ભગવાન ને સંત વિના બીજાને ન જાણે. (૨) જે જે જોઈતું હોય તે પોતાના ઇષ્ટદેવ પાસે જ માગે. (૩) તેની મરજી પ્રમાણે વર્તે. મહારાજે નિત્યાનંદ સ્વામીને જવાબ દીધો. શ્રીમુખની વાણી સમજવા જેવી છે. આકાશ ફાટે તેટલું દુઃખ આવે તોય રક્ષાના કરનારા શ્રીજીમહારાજ વિના બીજાને ન માને. તેની ઇચ્છા વિના સૂકું પાંદડુંય હલવા સમર્થ નથી. ગુણાતીત સ્વામીએ વાતમાં કહ્યું, ‘કોઈ માર માર કરતો આવતો હોય તોય સમજવું કે મારા સ્વામીની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ સ્વામી અને મહારાજ બેય એક જ વાત બોલ્યા. મેળ મળી ગયો. અક્ષરે સહિત પુરુષોત્તમની ખરી સર્વોપરી નિષ્ઠા હોય તેને શાંતિ શાંતિ વર્તે. ટાઢું વર્તે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૬૩]

 

૨૦-૨૧/૬/૧૯૬૨, મુંબઈ. સવારની સભામાં સ્વામીશ્રીએ વાત કરી:

“સત્પુરુષનો વિશ્વાસ હોય, વચનમાં વિશ્વાસ હોય, તો (સ્વામીનો) આશરો, (સ્વામીનો) નિશ્ચય થઈ જાય. લાભ મળ્યો છે પણ જીવમાં ગેડ બેસે તો હવાદ આવે. મહિમા સમજાય તો વિશ્વાસ આવે, પછી ગેડ બેસે.

“જેમ ભગવાનની માનસી-પૂજા કરે, તેમ ઉત્તમ ભક્તની ભેગી પૂજા – ગુણાતીતની કરે. આપણા જેવાની નથી કહેતા. ગુણાતીતને અર્થે મંદિરમાં પાંચ-પચાસ આપવા પડે. સ્વામી શાસ્ત્રીજી મહારાજે સરખી સેવા કરી, તો મહારાજ-સ્વામીની મૂર્તિઓ બેસી ગઈ. હજારો દર્શન કરે છે. કનિષ્ઠમાંથી ઉત્તમ થઈ જાય. મહારાજ કહે: ‘મને સો વાર જમાડે, ને મારા ભક્તોને એક વાર જમાડે, તો હું સો વાર માનું છું.’

“જૂના સંપ્રદાયવાળા કહે, ‘તમે સ્વામીને મુગટ પહેરાવો છો,’ પણ ઉત્તમ ભક્ત છે એટલે સરખી સેવા થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ