વચનામૃત નિરૂપણ

વરતાલ ૧૬

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કો’ક મોટો માણસ ઘોડા લઈને આવે તે ન ગમે, તે જાણું જે, ક્યારે જાય? તે મરને મોતિયા (લાડુ) લાવ્યા હોય, તેમાં શું?... ગરીબ હરિજન ગમે.”

[સ્વામીની વાતો: ૬/૧૨૭]

 

સં. ૧૯૫૨, મહુવામાં ભગતજી મહારાજે વચનામૃત વરતાલ ૧૬મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી, “શ્રીજીમહારાજે આમાં પોતાના અંતરનું રહસ્ય કહ્યું છે. જો ઊંડા ઊતરી વિચાર કરીએ તો એમ જ જણાય કે જો ભગવાનને ખરેખર ભગવાન જાણી, દર્શન એક વાર કર્યાં હોય, નિમિષમાત્ર કર્યાં હોય, તો જગતનો ફેર ઊતરી જ જવો જોઈએ.” એમ કહી નિરૂપણ કરી બોલ્યા, “માટે રાજ્યમાં કે સ્ત્રીમાં સુખ મોટાએ માન્યું નથી અને આપણે એમાં સુખ માનીને મોટો આદર કરી બેઠા છીએ, તેથી મોટાપુરુષ સાથે શી રીતે બનશે?”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૧૭]

 

સં. ૧૯૫૩, જૂનાગઢ. વચનામૃત વરતાલ ૧૬મું વંચાવીને ભગતજી મહારાજે વાત કરી, “ભગવાનના સુખ આગળ ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે, પણ જીવને બહાર દૃષ્ટિ થઈ છે તે હવે અવળું મોઢું કરવાની છે એવી અંતર્દૃષ્ટિ જ્યારે થશે ત્યારે ભગવાનને બાથમાં લઈને ભજનના સુખરૂપી અમૃતના ઓડકાર આવશે, પણ ખાલી ચાળા ચૂંથ્યે કંઈ નહીં વળે. માટે જે અણસમજણ અને અવિવેકે કરીને પંચવિષયમાં માલ મનાઈ ગયો છે, તે જો સત્પુરુષના સંબંધે કરીને જીવ ટાળી નાખે, તો સત્પુરુષ ભગવાનમાં માલ મનાવી દે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૬૩]

 

તા. ૨૬/૯/૧૯૬૫, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત વરતાલ ૧૬ નિરૂપતાં યોગીજી મહારાજે સુંદર વાતો કરી, “મોટા માણસ સાથે બને નહીં. ‘આવો, બેસો’ કહેવું. ખુશામત નહીં. ડોળ નહીં. તેની પાછળ ફરવું નહીં. શાસ્ત્રીજી મહારાજ ખુશામત ન કરે. મોટો માણસ હોય તેને આપણી ગણતરી ખરી? સામું ન જુએ. રાજનો કેફ હોય... ને આપણે સંસારકૂચા! વૈરાગ્ય કરી બીજાને સાધુ બનાવવા એ ખુમારી છે. ભગવાન ભજાવવા એમ ભક્તિનો મારે મદ છે - એમ મહારાજ કહે છે. અમારે ત્યાગ ને વૈરાગ્યનો કેફ. એની ક્યાં ખુશામત કરવી? મોટો, તો એના ઘરનો ભલે રહ્યો! પડ્યો રહે એક કોર! મહારાજે કડક જવાબ દીધો. મહારાજ તો ગરીબના બેલી. માળા ઘમકાવવા જેવું સુખ ક્યાંય નથી. હોય મોટો, પણ બૈરાં સારુ આંટા મારે. વલખાં મારે. શું માલ કાઢવો છે તેમાં? એક સ્ત્રી છૂટતી નથી, તો કરોડ ક્યાંથી છૂટે? ચિત્રકેતુને મહિમા ઊતર્યો તે છોડ્યું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૧૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ