વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૫૪

ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વારા કહ્યું છે.” ‘પ્રસઙ્‌ગમજરં પાશમ્’ એ શ્લોક બોલીને કહ્યું, “દ્વાર વિના ભીંતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો.”

પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ કપિલદેવ ભગવાન માતા દેવહુતિને કહે છે, “વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને (બંધનકારક) કદી તૂટે નહીં તેવો પાશ છે પણ તે જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષનાં દ્વાર ખુલ્લાં જ છે.” (ભાગવત: ૩/૨૫/૨૦)

[સ્વામીની વાતો: ૬/૮૫]

 

સં. ૧૯૫૨, ગઢડા. એક સાધુ સભામાં બેઠા હતા. તેમના સામું ભગતજીએ દૃષ્ટિ માંડીને જોયું એટલે તે સાધુ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪, ગઢડા મધ્ય ૫૪ અને ગઢડા અંત્ય ૨૧ મોઢે બોલ્યા. તે સાંભળી ભગતજી વસોવાળા પુરુષોત્તમદાસને કહે, “આ તો દિશ ઉપર વાત થઈ.” એમ કહીને પોતે વાત કરી, “ભગવાનના એકાંતિક સંતને વિષે મોક્ષની ચાવી એવા સંતને આપી છે. માટે એ સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. એવા સંતને મન, કર્મ, વચને સેવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, પરંતુ દ્રોહ કરવાનો સ્વભાવ તો રાખવો જ નહીં. જેને જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો છે, તે અતિશય મોટી પદવી થકી પડી ગયા છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૩૮]

 

પ્રમુખસ્વામી મહારાજ કહે, “આપણા ભાગે ગુણાતીત જ્ઞાન આવ્યું તે સારુ લાંબું આવ્યું. તે ગુણાતીત સંતે આપ્યું. સંત માતા જેવા છે. તે જીવને શુદ્ધ કરે, મનના મેલ હરે, પછી ભગવાન તેને ગ્રહણ કરે. સાચો સંતસમાગમ મળે અને સાચી રીતે તેમાં હેત થાય તો કાર્ય થાય. સાચા સંત ઓળખી રાખવા. જ્યાં ત્યાં ભીંતમાં માથું ન ભરાવવું. ગઢડા પ્રથમ ૫૪મા વચનામૃતમાં મોક્ષનું દ્વાર મહારાજે સંતને બતાવ્યા છે. તેમાં આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવી તો અક્ષરધામનો માર્ગ પ્રાપ્ત થાય. લૌકિક કાર્ય થાય ન થાય પણ આપણું અજ્ઞાન જતું રહે અને ધામની પ્રાપ્તિ થાય તે મહાસુખ. આની ઇચ્છા રાખવી. મોટાપુરુષના સંકલ્પે દેશ-વિદેશમાં સત્સંગ વધે છે. મંદિરો સોનાથી મઢાશે પણ અંતરનું અજ્ઞાન ન જાય કે આંતર સમૃદ્ધિ વધે નહીં તો સુખ ન થાય.” (૯૭)

[સંજીવની: ૧/૯૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ