વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧

સં. ૧૯૯૭, સારંગપુર. નિર્ગુણદાસ સ્વામીએ મન જીતવા ઉપર સુંદર વાતો વચનામૃત સારંગપુર ૧, ૮, ૯ વચનામૃતો વંચાવી કહ્યું, “હું જ્યારે ૧૯૫૩માં મુંબઈ મંદિરમાં કોઠારી હતો ત્યારે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે મને લખ્યું હતું જે, ‘નવધા ભક્તિમાં મન રાખે તો મન અધર્મના ઘાટ ઘડે નહીં.’ માટે ભક્તિ સિવાય મન જીતવાનું બીજું કોઈ સાધન મહારાજે બતાવ્યું નથી.” ત્યારે બોટાદવાળા ઉદ્ધવજીભાઈએ પ્રશ્ન પૂછ્યો, “મન જીત્યું ક્યારે કહેવાય?” એટલે નિર્ગુણદાસ સ્વામીએ હસતાં હસતાં કહ્યું, “ભગવાન કે સત્પુરુષમાં નિર્દોષબુદ્ધિ થવામાં મન આડું આવે છે, પણ તેમાં જો તર્ક-વિતર્ક ન થાય તો મન જીત્યું કહેવાય. મન અધર્મના ઘાટ ઘડે તો તેનો ઉપાય આ એક જ છે. અન્ય ક્ષેત્રે જો પાપ કર્યું હોય તો તે સંતના તીર્થરૂપી ક્ષેત્રમાં બળી જાય, પરંતુ સંતના સ્વરૂપ સંબંધી જો પાપ કર્યું હોય તો તે વજ્રલેપ થાય છે. માટે ભગવાનના એકાંતિક સંતમાં તર્ક-વિતર્ક કે દોષબુદ્ધિ હોય ત્યાં સુધી મન જીત્યું ન જાણવું. તે ઉપર ગઢડા મધ્ય ૧૪ અને વરતાલ ૧લું વિચારવું. જેમ આંબો તે આંબો જ અને લીમડો તે લીમડો જ છે, એમ દૃઢ નિશ્ચય થયો છે તે કોઈનો ટાળ્યો પણ ટળતો નથી, તે જ રીતે ભગવાન કે એવા એકાંતિક સત્પુરુષને વિષે એવો નિરુત્થાન નિશ્ચય થાય ત્યારે મન જીત્યું કહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૦]

 

બપોરની કથામાં વચનામૃત સા. ૧ સમજાવતાં કહે, “પંચ વિષયનો ત્યાગ અતિ દૃઢપણે એટલે શું? ત્યાગ તો ખરો, પણ સંકલ્પ જ ન ઊઠે.

“વિષય ઉપર કાંઈ પ્રીતિ શું? નિયમ લીધો હોય, ‘ઘઉંનું બને તે ન ખાવું.’ પછી ભાણામાં જલેબી આવી તે નિયમ મૂક્યો ને ઘઉંને બદલે ચોખાનું નિયમ લીધું. પછી દૂધપાક આવ્યો તે નિયમ મૂક્યો ને કહે, ‘હતું તે જ રાખો.’

“માહાત્મ્ય શું? કલેક્ટર કે વાઇસરૉય બોલાવે તો કેફ ચડે. ગામમાં બધે કહેતો ફરે, ‘મને કલેક્ટરે બોલાવ્યો.’ આ તો લૌકિક મોટાઈ. તેમ આનો આનંદ - કેફ આવવો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ હતા અમારી છાતી ફૂલે. મન પહોળું થાય કે: ‘આપણને એમની પાસે બેસવાનું મળ્યું!’ કામ બતાવે તો ઉત્સાહ આવે. પ્રાણ પાથરી દઈએ. મહિમા ન હોય તો કહેતા ભલા. ‘એ તો કીધા કરે’ - એમ થાય.

“વિષય સુખ તો નરક તુલ્ય લાગે. નરક શું? ભંગી ઢહરડે છે તેવું.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૫/૧૯૪]

 

સારંગપુરના વચનામૃતમાં વાત આવી જે: “ભગવાનનું જે નિમિષમાત્રનું દર્શન તેની આગળ અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખને વારી ફેરીને નાંખી દઈએ તો પણ તેના કોટિમા ભાગની પાશાંગમાં ન આવે...” એના પર વાત કરતા પ્રમુખસ્વામી મહારાજ કહે, “મનુષ્યાકારે દેખાય છે એટલે ન થાય. પણ દૃઢ જાણી રાખવું કે એમાં જ બધાં સુખ રહ્યાં છે. બધા વિષયોનું સુખ એમના એક સુખમાં સમાઈ જાય છે. બધું સુખ તેમનામાંથી મળે છે એવું મનાઈ ગયું હોય તો બીજાં સુખની અપેક્ષા ન રહે. આ લોકમાં માણસને સ્ત્રીમાં સુખ મનાઈ ગયું છે તો દુનિયા ભૂલી જાય છે, પૈસામાં કોઈએ સુખ માન્યું હોય તો તેની પાછળ બધું સુખ ભુલાઈ જાય છે. એવું ભગવાનનું સુખ મનાયું હોય તો વિષયનાં સુખ ખારાં થઈ જાય. પહેલાંના રાજાઓએ રાજપાટ મૂક્યા કે નહિ? ભગવાનનો મહિમા સમજાઈ જવો જોઈએ તો બધું ત્યાગ થઈ શકે.” (૧૭)

[સંજીવની: ૪/૧૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ