વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૫૪

પ્રસંગ ૧

સં. ૧૯૫૦, અમદાવાદ. ભગતજીનો આગ્રહ અને મરજી જોઈને સ્વામીશ્રીએ (શાસ્ત્રીજી મહારાજે) વાત શરૂ કરી, “અતિ દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ છે. તેમાં સત્સંગ મળવો અતિ દુર્લભ છે. તેમાં પણ એકાંતિક સંતને ઓળખીને તેમનો સમાગમ કરવો તે અતિ દુર્લભ છે. એટલું કર્યું તેણે સર્વે કર્યું છે અને તેને કલ્યાણમાં કાંઈ બાકી નહીં રહે.” એમ કહી શ્લોક બોલ્યા:

પ્રસઙ્‌ગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।

સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥

[ભાગવત: ૩/૨૫/૨૦]

“જેવું એ જીવને દેહ અને દેહના સંબંધીને વિષે હેત છે તેવું જ જો ભગવાનના એકાંતિક સંતને વિષે હેત થાય, તો તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે અને કાંઈ અધૂરું રહે નહીં. આટલું જ કરવાનું છે.” એટલું કહી બંધ રહ્યા.

પછી ભગતજી કહે, “થોડી વાત કરી પણ એમાં સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત લાવી મૂક્યો અને બહુ સારી વાત કરી.” એમ કહી સભા વચ્ચે સ્વામીશ્રી પાસે આવીને બોલ્યા, “રંગ છે, સ્વામી!” એમ કહીને સ્વામીશ્રીને માથે બે હાથ મૂક્યા અને બહુ જ રાજી થયા.

ત્યારે એક હરિભક્તે ભગતજીને કહ્યું, “તમો તો ગૃહસ્થ છો, તેથી સાધુને માથે હાથ ન મુકાય. છતાં કેમ હાથ મૂક્યા?”

એટલે ભગતજીએ કહ્યું, “મેં નથી મૂક્યા, સહજાનંદ સ્વામીએ મૂક્યા છે.” એટલું કહ્યું એટલે તે હરિભક્ત શાંત થઈ ગયા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૬૨]

 

પ્રસંગ ૨

સં. ૧૯૫૫માં શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢમાં રહેલા ત્યારે દ્રાવિડ દેશના વિદ્વાન શાસ્ત્રી કમલનયન તેઓને મળેલા. આ શાસ્ત્રીને શાસ્ત્રીજી મહારાજ જાગા ભક્તના દર્શને લઈ ગયા ત્યારે તે શાસ્ત્રીએ મોક્ષ સંબંધી કેટલાક પ્રશ્નો જાગા ભક્તને પૂછ્યા. તેનું ગુજરાતી ભાષાંતર શાસ્ત્રીજી મહારાજે જાગા ભક્તને સંભળાવ્યું. ત્યારે જાગા સ્વામીએ તે પ્રશ્નો પર આ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪ની વાત કરેલી અને તે શાસ્ત્રીને મોક્ષમાર્ગ સમજાવેલો. સાથે સાથે વચનામૃત ગઢડા મધ્ય ૫૪ અને વચનામૃત ગઢડા અંત્ય ૨ની વાત પણ પુષ્ટિ માટે જાગા ભક્તે કરેલી.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૦૬]

 

પ્રસંગ ૩

સં. ૧૯૬૧માં શાસ્ત્રીજી મહારાજ ચાણસદ મુકામે દૂધનો પ્રયોગ કરી રહેલા. મોઢાની ગરમીને શમાવવા વૈદ્ય મનસુખભાઈએ તેઓને અહીં બોલાવેલા. આ રોકાણ દરમ્યાન એક વાર શાસ્ત્રીજી મહારાજ સવારમાં મંદિરના દક્ષિણાદા ખંડમાં સાદડી ઉપર બિરાજમાન થયા હતા. ચાણસદ, ભાદરણ, ડભોઈ, આણંદ, બીલ, સોખડા, વસો વગેરે ગામોનાં હરિભક્તો સામે બેઠા હતા. તે વખતે ભાદરણના હરિભક્ત કશીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, “કલ્યાણનાં સાધન શાં શાં છે?”

ત્યારે સ્વામીશ્રીએ તેમની પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪નું વચનામૃત વંચાવ્યું અને મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, “ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર છે તે ઉઘાડું કેમ થાય?” આવ્યો.

એટલે સ્વામીશ્રીએ વાત કરી, “તમોએ જે પ્રશ્ન પૂછ્યો તે જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યો હતો અને મહારાજે તેનો ઉત્તર કર્યો જે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાને સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત એટલે એકાંતિક ધર્મની વૃદ્ધિ થાય છે અને તેમના જ પ્રસંગ થકી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”

એટલી વાત કરી પછી સ્વામીશ્રીએ હાથીભાઈ સામું જોઈને વાત કરી, “આટલું કરો તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય.”

એટલે હાથીભાઈએ હાથ જોડી કહ્યું, “શ્રીજીમહારાજે આ ઉત્તરમાં એક જ સાધનમાં બધું બતાવી દીધું છે.”

પછી સ્વામીશ્રીએ કશીભાઈને કહ્યું, “હવે વચનામૃત ગઢડા પ્રથમ ૫૭મું વચનામૃત વાંચો.” એટલે તેમણે ગઢડા પ્રથમ ૫૭મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં પણ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો, “હે મહારાજ! મોક્ષનું અસાધારણ સાધન તે શું?” ત્યારે મહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે મોક્ષના અસાધારણ હેતુ છે.”

તે ઉપર સ્વામીશ્રીએ વાત કરી, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય તે પણ ભગવાનના જે સાક્ષાત્ સંબંધવાળા સાધુ હોય તે થકી જ થાય છે. તે મહારાજે કહ્યું છે કે: ‘શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય. માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો.’ (વચનામૃત ગઢડા અંત્ય ૨૭) એવા સાક્ષાત્ સંબંધવાળા સંત થકી જ ભગવાનનો મહિમા અને સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તે છે.”

એટલી વાત કરીને વળી પોતે કહ્યું, “હવે ગઢડા અંત્ય ૩૬મું વચનામૃત વાંચો.” પછી કશીભાઈ તે વચનામૃત વાંચવા લાગ્યા એટલે સ્વામીશ્રીએ વાત કરી, “આ વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે સર્વ પરમહંસ અને હરિભક્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, ‘આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે, જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય અને તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો.’ એ બે મહારાજના પ્રશ્નનો ઉત્તર કોઈથી થયો નહીં. ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે, ‘પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને, તે પ્રત્યક્ષ ભગવાનનો ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભગવાનની ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૫૩]

 

પ્રસંગ ૪

સં. ૧૯૬૬, બોચાસણ, ચૈત્ર સુદ ૧૫ના સમૈયામાં સભામાં શાસ્ત્રીજી મહારાજે વાત શરૂ કરી, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાને સહિત જે ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે.” તે ઉપર ‘પ્રસઙ્‌ગમજરં પાશમ્’ એ શ્લોક બોલ્યા અને કહ્યું, “આ વચનામૃતમાં તો મહારાજે મોક્ષનું દ્વાર બતાવી દીધું છે. એવા એકાંતિક સંતમાં આત્મબુદ્ધિ કરવી એ જ મહારાજનો મત છે. આ વચનામૃત જેને નહીં સમજાય તેનાં કર્મ ફૂટ્યાં જાણવાં.”

એટલી વાત સ્વામીશ્રીએ કરી એટલે છાણીના દ્યાભાઈ બોલ્યા, “સ્વામી! આજ તો બધાને પંદર આના હેત આપમાં છે ને એક આનો દેહમાં છે.”

તે સાંભળી સ્વામીશ્રી હસ્યા અને કહ્યું, “એમ હોય તો અક્ષરધામમાં જ બેઠા છો.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૩૪૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ