હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૧
સોરઠા
સમરું શ્રીઘનશ્યામ, મંગળ કરવા માહેરું ॥
અમૃતપદ એ નામ, અમંગળ અળગું કરે ॥ ૧ ॥
ધર્ય થકી1 ધરિયે ધ્યાન, પ્રગટ પુરુષોત્તમ તણું ॥
નિર્વિઘ્ન હોય નિદાન, વિઘ્ન સર્વે વિરમે વળી ॥ ૨ ॥
દોહા
અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ॥
સો2 સંક્ષેપે સૂચવું, મતિ દિયો એવી મોય ॥ ૩ ॥
વારમવાર વિનય કરી, કરું કથા ઉચ્ચાર ॥
મતિ અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ॥ ૪ ॥
સદ્ગુરુ શિષ્ય સંવાદ શું, કરું કથા પ્રકાશ ॥
જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદયતમ3 નાશ ॥ ૫ ॥
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું છું લાગી પાય ॥
મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છું છું હું ઉરમાંય ॥ ૬ ॥
દિન બહુનો દાખડો, કરું છું કૃપાનિધાન ॥
પણ આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ॥ ૭ ॥
જેમ કહો તેમ કરું, હાથ જોડી રહું હજૂર ॥
દીનબંધુ દયા કરો, તો હરિ દેખાય ઊર ॥ ૮ ॥
અંતર મારું અણોસરું,4 વણ દીઠે વ્રજચંદ ॥
જ્યારે દેખું જગપતિ, ત્યારે સુખ આનંદ ॥૯॥
એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ॥
અંતરમાં ઇચ્છા ઘણી, નાથ નીરખવા કાજ ॥૧૦॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
સદ્ગુરુ કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ॥
સાંભળ્ય તારાં સંબંધી, કેને છે સતસંગ? ॥૧૧॥
મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે કહિયે કુસંગી ચાર ॥
ત્યાં જોવા ઇચ્છે જગદીશને, તું કરી કોણ વિચાર ॥૧૨॥
શ્રવણ ત્વચા દ્રગન5 દોય, રસના નાસા નેક ॥
કહિયે પંચ એ કુસંગી, કર્ય તું હૈયે વિવેક ॥૧૩॥
તેમાં જોવા ઇચ્છે જગપતિ, શું સમજી તું સુજાણ ॥
મલિન મંદિરમાં હરિ, ન દરશે6 કે દી નિરવાણ7 ॥૧૪॥
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે સમજ્યો નહિ, કહું કુસંગી તે કોયે ॥
સમજ્યો સર્વે સતસંગી, એમ મનાણું મોયે ॥૧૫॥
વણ સમજ્યે વરત્યાં8 નહિ, ઘરના ઘાતક9 એહ ॥
અભાવ એનો નથી આવતો, સમજું છું પરમ સનેહ ॥૧૬॥
અવગુણ એના ઓળખાવિયે, કહું કૃપાનિધાન ॥
દગો એનો હું દેખીને, સમજી રહું સાવધાન ॥૧૭॥
મેં જાણ્યું એહ માહેરાં, હેતુ10 છે જો હમેશ ॥
સનેહીમાં શત્રુપણું, મેં લયું11 નહિ લવલેશ ॥૧૮॥
જેમ છે તેમ જણાવિયે, આપી શિખામણ સાર ॥
ડહાપણમાં દીઠું નહિ, આભ સમ અંધાર12 ॥૧૯॥
સમજી શાણો આપને, કરે બીજાની હાસ ॥
મોટો મૂરખ નિસર્યો, જ્યારે કર્યો તપાસ ॥૨૦॥
પરને બહુ પરમોદિયા,13 કર્યા સતસંગી કોટ્ય ॥
વૃત્તિ ન વાળી અંતરે, કહો ટળે કેમ ખોટ્ય ॥૨૧॥
અરિતા14 અંતઃકરણની, પંચ ઇંદ્રિય જે પૈશૂન્ય15 ॥
એટલું મને ઓળખાવીએ, એમ કહી રહ્યો શિષ્ય મૂન્ય ॥૨૨॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
તૈયે સદ્ગુરુ કહે નથી જાણતો, તું શિષ્ય અજ્ઞાની જોર ॥
ઓળખાવું એકો એકને, ચોખાં છે જેહ ચોર ॥૨૩॥
મનની ચોરી મોર્યથી, કહું કાંયેક નિરધાર ॥
પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યાં હૃદય મોઝાર ॥૨૪॥
સંકલ્પે સૃષ્ટિ સબે આણી વસાવી ઉર ॥
કહો હરિ કિયાં રહે, ભીંતર છે ભરપૂર ॥૨૫॥
સર નદી વાપી16 કૂવા, સિંધુ સાતે દ્વીપ ॥
સંકલ્પે સર્વે એહ, મન દેખાડે સમીપ ॥૨૬॥
દેશ વિલાયત17 નગર પુર, ગામ ઘોષ18 વનવાટ ॥
આણી ભર્યાં એહ અંતરે, ગિરિ ગહ્વર19 ઘર ઘાટ ॥૨૭॥
જે જે વસ્તુ જગતમાં, તે ઘાલી ગોતી ઘરમાંય ॥
અવિનાશી રહે એટલી, નથી જાયગા ક્યાંય ॥૨૮॥
સારાસાર સમજે નહિ, લૈ લાવે છે ઝડી20 ઝોટ્ય21 ॥
સંકલ્પ સુખ દુઃખના, કરે રાત દિન કોટ્ય ॥૨૯॥
જે જે વિલોકે વસ્તુને, તેમાં થાય તદ્રૂપ22 ॥
રગરગમાં રમી રહે, સુખદ દુઃખદ સ્વરૂપ ॥૩૦॥
દામ દામ સમરે દામને, ભામ ભામ સમરે ભામ23 ॥
કામ કામ સમરે કામને, ધામ ધામ સમરે ધામ24 ॥૩૧॥
સુખ સુખ સમરે સુખને, દુઃખ દુઃખ સમરે દુઃખ ॥
ભૂખ ભૂખ સમરે ભૂખને, એહવો જ મન વિમુખ ॥૩૨॥
નિમિષ એક નવરો નહિ, સંકલ્પ કરતાં સોય ॥
જાગ્રત સ્વપ્ન સર્વમાં, દીધી છે દોરી25 પ્રોય ॥૩૩॥
જડે ન જોયે જાયગા, કહો હરિ રહે કોણ ઠામ ॥
શિષ્ય તું સમજ્યા વિના, હૈયે ન કરિયે હામ ॥૩૪॥
સર્વે સંકલ્પ સુખના, કરતાં આવે સ્વાદ ॥
એક સંકલ્પ હરિ તણો, નેક થયો નિરસ્વાદ ॥૩૫॥
ભૂંડી વસ્તુ ભીતરે, આણી ભરી અનેક ॥
રૂંધી હૃદયે રાખિયો, એવો નરસો નેક ॥૩૬॥
તેને તેં ઓળખ્યો નહિ, જાણ્યો પરમ સ્નેહ ॥
જો વિચારી શિષ્ય તું, અરિ કહે તું એહ ॥૩૭॥
સોરઠા
સમજ્યા વિના સુજાણ, સુખ ન હોય કોઈ દને ॥
સો નકી વાત નિરવાણ, જાણી લહે તું શિષ્ય સહી ॥૩૮॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે પ્રથમઃ પ્રસંગઃ ॥૧॥