હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૯
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે ખૂની ખરાં, મહાદુષ્ટ દુઃખ દેનાર ॥
નકી કાઢ્યાં ન નીસરે, કરું હું કોણ વિચાર ॥ ૧ ॥
જૈયે તમે જણાવિયાં, તૈયે કર્યો તપાસ ॥
રૈયત તે રાજા થઈ, રાજા તે થયો દાસ ॥ ૨ ॥
ભરાડી1 ભેળા થયા, તન માંહિ તસ્કર ॥
માલ મળ્યે મૂકે નહિ, લૂંટેરુ લશ્કર ॥ ૩ ॥
એને ભરોંસે ભવ ગયો, કર્યો ન કોય વિચાર ॥
હજી છે કોય હરામના, ગુરુ કહો નિરધાર ॥ ૪ ॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
વળતા સદ્ગુરુ બોલિયા, હજી અરિ છે એક ॥
સચેત થઈ તું સાંભળે, કહું કરી વિવેક ॥ ૫ ॥
અશ્વિનીકુમાર આવીને, ઘણો લિયે છે ગંધ ॥
તે ઉતારે અંતરે, બહુવિધ કરવા બંધ2 ॥ ૬ ॥
સુગંધ દુર્ગંધ દો કહિયે, નાકે સૂંઘી સોય ॥
ઉતારી અંતરમાં, શુભ અશુભ દોય ॥ ૭ ॥
ચૂવા ચંદન સુગંધી, સુગંધી અત્તર ધૂપેલ ॥
કર્પૂર અગર3 સુગંધી, સુગંધી તેલ ફુલેલ ॥ ૮ ॥
અર્ધવાસ નાસા લિયે, નિત્યનિત્ય એહ અનૂપ ॥
આણી મેલી અંતરે, સમજી સુખદ સ્વરૂપ ॥૯॥
ફૂલ તણી ફોર અતિ, જાણી જૂજવી જેહ ॥
ભરી સુગંધી ભીતરે, તોળી તપાસી તેહ ॥૧૦॥
ચંપા ચંબેલી જૂઈ જૂથિકા, ગેહેરી ગુલાબી વાસ ॥
ડોલરિયે દિશે ઘણી, પાનડી4 પરિમલ5 પ્રકાશ ॥૧૧॥
ગુલલાલા ગુલસોમના, ગુલદાવદી જે ફૂલ ॥
નરમાલિની નાસિકા, લીયે વાસ અમૂલ ॥૧૨॥
કમળ કેવડા કેતકી, પારિજાતક પીઆવાસ6 ॥
મરુવા સુગંધી મોગરા, પરિમલ કરે પ્રકાશ ॥૧૩॥
સુગંધી સહુ શોધીને, ઉતારી લઈ ઉર ॥
ભરી છે તે ભીતરે, નથી રાખી કોઈ દૂર ॥૧૪॥
અતિ સડેલો ઊંટિયો, કરક7 નરક વળી કુંડ ॥
આવે દેખી ઉબકો, ભાળે જ્યારે એહ ભૂંડ ॥૧૫॥
બહુ દુઃખદાયક દુર્ગંધી, નાકે જે ન સે’વાય ॥
તે પણ રહી તનમાં, દુરગંધી દલમાંય ॥૧૬॥
પશુ પંખી પન્નગની, નર નારીની નેક ॥
બોલી ખોળી બહુવિધે, રાખી એકોએક ॥૧૭॥
ગંધ સુગંધ ગણતાં, કેદિયે ન આવે પાર ॥
ઘાલી છે તે ઘટમાં, લઈ લઈ નાસા દ્વાર ॥૧૮॥
એમ સભર ભરાઈ રહ્યાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ॥
ગંધ સુગંધી ઘરમાં, રહ્યાં વસી એકરસ ॥૧૯॥
કહ્યાં એહ તે કુસંગી, સતસંગી નહિ સોય ॥
ના’વે કેના નોરમાં,8 કરે ન કબજે કોય ॥૨૦॥
સહુ જાણે સત્સંગી થયા, ન રહ્યા કુસંગી કોય ॥
ફોગટ ફૂલ્યે ફૂલિયા, દેખ્યું નહિ દિલમાંય ॥૨૧॥
કામ ક્રોધ મદ લોભનું, મોહ માન મમતા મૂળ ॥
પંચ વિષયથી પ્રગટે, સહુ જનને બહુ શૂળ ॥૨૨॥
સત્વ રજ તમ કહિયે, એ તો છે મહેમાન ॥
આવ્યા ગયા એ રહે, ન રહે નકી નિદાન ॥૨૩॥
હરખ શોક હાણ વૃદ્ધિ, તારું મારું તેહ ॥
પંચ વિષયથી પેખિયે, જીત્યા હાર્યા જેહ ॥૨૪॥
સુખી દુઃખી સંસારમાં, પંચ વિષયથી પ્રમાણ ॥
પેખી પર પોતા તણું, રહી છે ખેંચાતાણ ॥૨૫॥
પ્રતીતિ પરલોકની, મહા નીચને નોય ॥
સંકલ્પ સુખ થાવા તણો, કરે નહિ એહ કોય ॥૨૬॥
કીર્તિ સુણવા કાનમાં, અતિ ઘણો ઉત્સાહ ॥
સ્પર્શ લેવા શરીરમાં, ચિત્તમાં બહુબહુ ચાહ ॥૨૭॥
રૂપ જોવા નયનને, રસ લેવા રસનાયે ॥
સુગંધી લેવા નાકને, નથી આળસ કાંયે ॥૨૮॥
શિષ્ય જો જુગતે9 કરી, એહ ખળની ખળાઈ ॥
નવે એ નરસાં નીસર્યાં, દેખી જો દિલ માંઈ ॥૨૯॥
એટલા સારુ નાથને, આવતાં અગમ10 થાય ॥
તું તો તલખે તેડવા, શિષ્ય સમજ્યા વિનાય ॥૩૦॥
સોરઠા
નાથે તિયાં ન અવાય, વરતે વિક્ષેપ જિયાં વળી ॥
તે તપાસ્ય તું તનમાંય, નેન11 રજ નવ રાખે રંચે ॥૩૧॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે નવમઃ પ્રસંગઃ ॥૯॥