હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૧૪
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, જે કહ્યા આગે ઉપાય ॥
કઠણ છે એ કરવા, વિચારિયું ઉરમાંય ॥ ૧ ॥
નિર્વેદ1 પણ હોય નબળો, સ્નેહ નિયમ પણ સમાન ॥
સત્સંગ પણ સુધો2 નહિ, અતિ આત્મજ્ઞાન ॥ ૨ ॥
શ્રોત્ર ત્વક્ નેત્ર કહ્યાં, રસના ઘ્રાણ મન બુદ્ધ ॥
ચિત્ત અહંકાર ચોખાં નહિ, સરસ અતિશે શુદ્ધ ॥ ૩ ॥
એહ સહુને નિમમાં, રાખે બહુ બળવાન ॥
થોડે બળે થાતાં નથી, સદ્ગુરુ સુણો નિદાન ॥ ૪ ॥
માટે કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ ॥
હિંમત આવે હરિભક્તને, ભજે હરિ કરી ભાવ ॥ ૫ ॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
સદ્ગુરુ કહે સુણ્ય શિષ્ય તું, કહું વાત એની અનૂપ ॥
જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન સ્વરૂપ ॥ ૬ ॥
જે દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય ॥
સુણ્ય શિષ્ય શ્રવણ દઈ, કહું એવો ઉપાય ॥ ૭ ॥
પ્રથમ સંભારે શ્યામને, મનસુબાથી મો’ર3 ॥
વીસરે નહિ એહ વારતા, સર્વ કાળ સર્વ ઠોર4 ॥ ૮ ॥
જે જે સંકલ્પ મન કરે, ચિત્ત કરે ચિંતવન ॥
હરિ સંબંધ વિના હોય નહિ, જરૂર જાણે તું જન ॥૯॥
બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે અહં અહંકાર ॥
તેમાં સંબંધ લઈ શ્યામનો, ચિંતવે વારમવાર ॥૧૦॥
જે જે શબ્દ સાંભળે, શ્રવણ ધરીને સોય ॥
તે તે શબ્દ હરિ સંબંધ વિન, નિશ્ચય ન કરો તોય ॥૧૧॥
પશુ પંખી નર નારના, જડ ચૈતન્યના જાણ ॥
હરિ સંબંધે સાંભળવા, શબ્દ સર્વ સુજાણ ॥૧૨॥
વાજાં છે બહુવિધનાં, કે’તાં ન આવે અંત ॥
વાજ્યાં છે હરિ આગળે, એમ સમજે છે સંત ॥૧૩॥
ગાન તાન ગણતી નહિ, રાગ રાગણી બહુ રીત ॥
આલાપ્યાં હરિ આગળે, એમ ચિંતવે જન ચિત્ત ॥૧૪॥
કવિત સવૈયા સાખી છપે, પૂર્વછાયા પરજિયા છંદ ॥
દોહા ચોપાઈ સોરઠા, કહ્યા હરિ આગે કવિ ઈંદ ॥૧૫॥
કાવ્ય કથા પુરાણ પદ, શાસ્ત્ર વેદ સુખધામ ॥
તે સુણ્યા શ્રીહરિ પાસળે, એમ સાંભરે ઘનશ્યામ ॥૧૬॥
સ્પર્શ સર્વે શોધિયે, સુંવાળા સુખરૂપ ॥
હરિસંબંધે સંભારિયે, અતિ સુંદર અનૂપ ॥૧૭॥
સ્પર્શ કોમળ શય્યા તણો, પે’ર્યાનાં પટ કોમળ ॥
હરિસંબંધે સંભારતા, આવે સુખ અતોળ ॥૧૮॥
કોમળ કુસુમની કળીએ, સુંદર સમારી સેજ ॥
સુતા દીઠા શ્રીહરિ, આવ્યો આનંદ એજ ॥૧૯॥
પંખેશું પવન કર્યા, ભર્યા હેતેશું હોજ ॥
ઉષ્ણ ઋતુમાં અલબેલડો, બેઠા હરિ કરી મોજ ॥૨૦॥
સ્પર્શ સર્વ સૂચવતાં, સાંભરે શ્રી ઘનશ્યામ ॥
ધન્યધન્ય જન એ ધ્યાનને, અખંડ આઠું જામ ॥૨૧॥
રૂપ અનુપ અતિ ઘણાં, અવલ5 નવલ અનૂપ ॥
હરિસંબંધે સંભારિયે, તો સર્વે એ સુખરૂપ ॥૨૨॥
સર નદી વાપી કૂવા, હરિ નાહ્યા પીધાં નીર ॥
સાંભરે દેશ દરિયાવ નાવે, સુંદર શ્યામ સુધીર ॥૨૩॥
દેશ વિલાયત નગર પુર, તિયાં થયાં દર્શન ॥
ગામ ઘોષ વન વાટ ગિરિ, ગુહા ઘર ઘાટ નિર્ઝરન6 ॥૨૪॥
પશુ પંખી પન્નગ લઈ, જેને હોય હરિસંબંધ ॥
ગજ વાજ અજ ગો મહિષી, કરે ન વૃષભ બંધ7 ॥૨૫॥
ધાતુ સપ્ત પ્રકારની, અનેક તેના આકાર ॥
હરિસંબંધે જો સાંભરે, તો સર્વે સુખ દેનાર ॥૨૬॥
નંગ ભૂષણ વાસણ વળી, શસ્ત્ર અસ્ત્ર અનેક ॥
એહ સંબંધે હરિ સાંભરે, તો સુખદ એકોએક ॥૨૭॥
ખાટ પાટ ખુરશી પલંગ પર, બેઠા દીઠા નાથ ॥
રથ વેહેલ્ય ગાડી પાલખિયે, જોઈ જન સનાથ ॥૨૮॥
છત્ર ચામર અબદાગિરિ, ધરી હરિને શીશ ॥
તે સંભારતાં સાંભરે, જગજીવન જગદીશ ॥૨૯॥
બેઠા પ્રભુ બાજોઠ પર, શ્રીહરિ ડોળ હિંડોળ ॥
કરી અગર કપૂર આરતી, સુખ સંભાર્યે અતોળ ॥૩૦॥
મેડી મંદિર માળિયે, મંચે બેઠા મહારાજ ॥
તે સંભારતાં સાંભરે, સુંદર શ્રી હરિરાજ ॥૩૧॥
યજ્ઞ સમૈયા ઉત્સવ અતિ, જન જોઈ જોઈ જમાડ્યાં હાથ ॥
કો’ વાલમ કેમ વિસરે, સદા રે’તા હરિ સાથ ॥૩૨॥
શીત ઉષ્ણ પ્રાવૃટ માંહી, સાંભરે સુખધામ ॥
ધૂણી ધૂમ ધામે હરિ, બેઠા જ્યાં ઘનશ્યામ ॥૩૩॥
ગ્રીષ્મ પ્રાવૃટ શરદઋતુ; શિશિર શીત વસંત ॥
ફૂલડોળ ઉત્સવ ઉપરે, મળતા સંત અત્યંત ॥૩૪॥
એમ સંબન્ધે સાંભરે, શ્રીહરિ સુખદેણ ॥
આવડત હોય જો અંગમાં, તો ન ભૂલે રાજીવનેણ8 ॥૩૫॥
પંચભૂતથી પ્રગટ્યાં, જડ ચૈતન્ય જે જાત ॥
તે સંબન્ધે હરિ સાંભરે, શિષ્ય સુણી લે વાત ॥૩૬॥
સોરઠા
શિષ્ય સુણી લે વાત, સમજાવી સદ્ગુરુ કહે ॥
એમ દિવસ ને રાત, અખંડ ધ્યાન હરિનું જો રહે ॥૩૭॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે ચતુર્દશઃ પ્રસંગઃ ॥૧૪॥