હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૧૦

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય નમાવી શીશને, અરજી કરે છે એમ ॥

એહ કુપાત્ર કાઢવા, કરું ઉપાય હું કેમ? ॥ ૧ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

સદ્‌ગુરુ કહે શ્રદ્ધાવાન, જેહ પામે પંચ નિદાન ॥

વૈરાગ્ય સ્નેહ1 નિયમ જેહ, સતસંગ આત્મજ્ઞાન ॥ ૨ ॥

એહ પંચને પ્રીછવી,2 કહું જૂજવાં જાણ ॥

જેહ પામતાં પ્રાણીને, થાય વિષયની હાણ ॥ ૩ ॥

તે તો તીવ્ર વૈરાગ્યનો, લાગે જેને વેગ ॥

તે પંચ વિષયનો પંડમાં, ભળવા ન દિયે ભેગ ॥ ૪ ॥

કાં તો સનેહ શ્યામશું, હોય અતિ ઘણો અપાર ॥

અંગે તેને આવે નહિ, પંચ વિષય વિકાર ॥ ૫ ॥

એવાં ઝાઝાં જક્તમાં, ન હોય નર ને નાર ॥

પંચ વિષયના સુખને, અંગે ગણે અંગાર3 ॥ ૬ ॥

માટે નિયમ નકી કરી, રાખે રુદિયા માંય ॥

પંચ વિષયનું પંડમાં, રહે ન કિલ્બિષ4 કાંય ॥ ૭ ॥

નિર્વેદ5 સ્નેહ નિયમનું, કારણ સંતનો સંગ ॥

એથી જ્ઞાન ઉપજે, તો પણ થાય વિષયનો ભંગ ॥ ૮ ॥

પ્રથમ વાત વૈરાગ્યની, સુણી લીજે સોય ॥

પછી કહું હું પ્રીતિની, છેલી નિ’મની તોય ॥૯॥

વિષલાડુ વિષ પાનશું, તરત તનનો નાશ ॥

કહો સુખ કેમ ઉપજે, નાગ વ્યાઘ્ર સંગ વાસ ॥૧૦॥

જેમ ખેરી6 વેરી ખાટકી, સફરી7 પર સીંચાણ8

તેતર પર બાજ ફરે, તે લીધા કાં લેશે પ્રાણ ॥૧૧॥

જેમ આખુ9 અહિ આગે રહે, ખીલી10 બિલીને પાસ ॥

માંખી માંકડી11 આગળ્યે, નહિ ઉગર્યાની આશ ॥૧૨॥

એક ચ્યે12 રચે રયા, એક ખોદે છે ઘોર13

બળતા ગડતા દેખીને, રહે ઉદાસ નિશભોર14 ॥૧૩॥

મુવા મુવા ખાધા ખરા, કેડે પડિયો કાળ ॥

નાવે અમર નયણે, સ્વર્ગ મૃત્યુ પાતાળ ॥૧૪॥

એહમાં હું પણ આવિયો, છઉં ઘડીક તાળ15

તે પંચ વિષય પેખે નહિ, દેખે નજરે કાળ16 ॥૧૫॥

એહવું જેને અંતરે, વરતે છે અહોનિશ ॥

તેહને પંચ વિષયની, રહે નહિ ગંધ લેશ ॥૧૬॥

કાં તો એવા વૈરાગ્યને, પામે કોઈ પુણ્યવાન ॥

નહિ તો સનેહ શ્યામશું, કરે નકી નિદાન ॥૧૭॥

સ્નેહમાં શુધ વીસરે, રહે નહિ તન ભાન ॥

ઉન્મત્તવત અંગે ફરે, ભૂલે ભોજન પાન ॥૧૮॥

દગે કરી દેખે નહિ, પર પોતાનું પંડ ॥

રહે ઘણું ઘનશ્યામનું, આંખ્યે રૂપ અખંડ ॥૧૯॥

શ્રવણશું સુણે નહિ, પર પોતાની વાત ॥

શ્રોત્રે શ્રીઘનશ્યામના, રહ્યા શબ્દ સાક્ષાત ॥૨૦॥

જીભેશું જાણે નહિ, બહુ બોલ્યાની રીત ॥

બોલે તો સહુ કે’ બાવરો,17 જેને પ્રભુશું પ્રીત ॥૨૧॥

એમ સરવે અંગની, શુધ ભૂલે સનેહ ॥

કરતાં પ્રીત હરિકૃષ્ણશું, દેખે નહિ નિજદેહ ॥૨૨॥

જેમ ગોપી ગોરસ વેચતાં, ભૂલી ગઈ તનભાન ॥

મહી વેચવું કે’વું મૂકિયું, કહ્યું લિયો બાઈ કોઈ કાન ॥૨૩॥

એવા સનેહી સંતને, પીડે ન પંચવિષય ॥

જોતાં ન દેખે જગતને, દેખે શ્યામ સનેહ ॥૨૪॥

એ વૈરાગ્ય સ્નેહની વિગતી, નકી કહી નિદાન ॥

નિશ્ચે કહું હવે નિ’મને, તે પણ સાંભળ્ય કાન ॥૨૫॥

કાને હરિકથા વિના, બીજી ઇચ્છે સુણવા વાત ॥

તે દી અન્નને ત્યાગવું, એક દિવસ એક રાત ॥૨૬॥

સ્પર્શ સુખદ શ્યામનો, સંતનો સુખદેણ ॥

ત્વચા ઇચ્છે જો તે વિના, તો તજે અન્ન દિનરેણ ॥૨૭॥

હરિ હરિની મૂરતિ, સંતરૂપ સુખદાય ॥

તે વિના ઇચ્છે આંખ્ય જો, તો એક દિન અન્ન ન ખાય ॥૨૮॥

પ્રસાદી પ્રભુ તણી, એ રસ રાખે આશ ॥

સંત ઘટિત વિના રસના, ઇચ્છે તો એક ઉપવાસ ॥૨૯॥

હાર સુગંધી હરિસંબંધી, સંત સંબંધી સોય ॥

તે વિના ચાહે નાસિકા, તો એક ઉપોષણ18 હોય ॥૩૦॥

મન મૂકી હરિ મૂરતિ, અન્ય સંકલ્પ કરે ચિત્ત ॥

તો કરે ઉપોષણ એક દી’, ત્યારે હોય પુનિત ॥૩૧॥

મેલી પ્રભુની મૂરતિ, અન્ય નિશ્ચય કરે કોઈ બુધ19

તો અન્ન ન ખાય એક દિન, ત્યારે થાયે શુદ્ધ ॥૩૨॥

મૂરતિ મૂકી મહારાજની, ચિત્ત કરે અન્ય ચિંતન ॥

તો તેનો દોષ નિવારવા, ન જમે અન્ન એક દિન ॥૩૩॥

હરિ મારા હું હરિ તણો, અહંકાર ન કરે જો એમ ॥

એક દિવસ અન્નને, કહો જમે તે કેમ ॥૩૪॥

વૈરાગ્ય સ્નેહ નિ’મની, કહી સુણાવી વાત ॥

સંત સમાગમ જ્ઞાનની, કહું હવે સાક્ષાત ॥૩૫॥

ત્રિશે લક્ષણ તનમાં, પ્રગટ પ્રભુના દાસ ॥

એવા સંતના સંગથી, થાય વિષયનો નાશ ॥૩૬॥

આત્મા અનાત્મા20 ઓળખી, ચોખો કરે વિભાગ ॥

એવું જ્ઞાન જો ઉપજે, તો થાય વિષયનો ત્યાગ ॥૩૭॥

નવે21 આવે એમ નિ’મમાં, એમ રહે કહું રૂડી રીત ॥

સ્નેહ ત્રોડે શરીરશું, જોડે પ્રભુશું પ્રીત ॥૩૮॥

શિષ્ય જે જે મેં કહ્યું, તેનો કરી તપાસ ॥

નોકર ન રહિયે નવના, થાયે હરિના દાસ ॥૩૯॥

એ નવે કાપ્યાં નાકને, નર નિર્જરનાં નિદાન ॥

કહો શોભા શી રહી, ગયાં નાક ને કાન ॥૪૦॥

કામ ક્રોધ મદ લોભ મોહ, તેણે ચઢાવ્યાં ચાક22

એહને વશ જે જે થયાં, રહ્યાં કહો ક્યાં નાક ॥૪૧॥

નાક વિનાનાં નકટાં, જો જાય પ્રભુની પાસ ॥

જોઈ મુખ એ જનનું, હરિ થાય ઉદાસ ॥૪૨॥

બૂચ્ચાં23 નકટાં બહુ મળી, કેનીક જાનમાં જાય ॥

ખોટ મોટી એ વરને, નકટાંને નહિ કાંય ॥૪૩॥

ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, એથી મોટા નહિ કોય ॥

આવી ખોટ જે અંગમાં, તે કહે છે સહુ કોય ॥૪૪॥

પરાશર એકલશૃંગી, નારદ સૌભરી સુજાણ ॥

આવી ખોટ જે એહને, તે કહે છે શાસ્ત્ર પુરાણ ॥૪૫॥

માટે મેં તુજને કહ્યું, જાણે શિષ્ય જરૂર ॥

કાઢ કસર તું એટલી, તો નથી નારાયણ દૂર ॥૪૬॥

સોરઠા

દૂર મ જાણે દયાળ, શ્રીઘનશ્યામ સમીપે રહે ॥

તે દેખે તું તત્કાળ, અંતર ખોટ જો અળગી કરે ॥૪૭॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે દશમઃ પ્રસંગઃ ॥૧૦॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫