હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૩

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર ॥

જેને શાહા1 સમજતો, તે તો નીસર્યા ચોર ॥ ૧ ॥

વળીવળી બતાવજો, ઓળખાવજો અરિ એહ ॥

કહો કપટ કપટી તણાં, હું સુણીશ કરી સ્નેહ ॥ ૨ ॥

સદ્‌ગુરુ ઉવાચ

સદ્‌ગુરુ કહે ચિત્ત તાહરું, ચિંતવે બહુ આકાર ॥

કહી કહી કહીએ કેટલા, કહેતાં તે નાવે પાર ॥ ૩ ॥

જે મને ઉત્થાને2 મેલિયાં, પ્રજ્ઞા3 કર્યાં પ્રમાણ ॥

તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ ॥ ૪ ॥

માત તાત સુત સંબંધી, દેહ ગેહ ઘર નાર ॥

ભાઈ ભોજાઈ ભગિની, એહ ચિંતવે વારંવાર ॥ ૫ ॥

અવગુણ ગુણ અરિ મિત્રને, સંભારે ચિત્ત સોય ॥

સુખદ પદાર્થ સમજી, ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય ॥ ૬ ॥

અન્ન ધન ધામ ધરણી, પશુ પંખી ગામ ગરાસ ॥

દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વાસોશ્વાસ ॥ ૭ ॥

પેખી પર પોતા તણા, રાખે હેત કુહેત ॥

એવું સમજી અંતરે, ચોખું મનાવે ચિત્ત ॥ ૮ ॥

આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય ॥

ચિત્ત નિત્ય એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ॥૯॥

આ રોગી આ રોગી નહિ, આ બુઢા જુવાન બાળ ॥

આ રૂપ કુરૂપ નારી નર, ચિત્ત ચિંતવે તત્કાળ ॥૧૦॥

પંચભૂતથી પ્રગટ્યાં, જડ-ચૈતન્યની જાત ॥

અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત ॥૧૧॥

ચિત્તે ચિંતવી ચિંતવી, રાખ્યાં હૃદયમાં રૂપ ॥

ત્રિલોકમાં તલેતલ,4 સંભારે સોય સ્વરૂપ ॥૧૨॥

સર્વે રૂપ સંભારતાં, ન રહે નવરું નેક ॥

તારું સારું કેમ કરે, શિષ્ય સમજ વિવેક ॥૧૩॥

એણે કર્યું અતિ અવળું, તારું ટાળ્યું ઠામ5

તિયાં નીરખવા નાથને, કરું છું હૈયામાં હામ ॥૧૪॥

આખા જગતની આપદા,6 ભરી ભીતર મોઝાર ॥

એમાં જોવા જગદીશની, લાલચ મ કર લગાર ॥૧૫॥

શિષ્ય સોદો7 સંકટ થયો, ગયો મનુષ્યનો દેહ ॥

અજ્ઞાન આખા વિશ્વનું, રાખી રહ્યો તું તેહ ॥૧૬॥

પળે પળે પડ્યો પેચમાં,8 બળે બળે બળવાન ॥

ગળે ગળે ઝાલી ગળ્યો, કળે કળે9 કહું નિદાન ॥૧૭॥

તારું ધાર્યું ક્યાં રહ્યું? જો શિષ્ય વિચારી વાત ॥

માને નહિ કોઈ માંહેલાં, મળી એ જાત કુજાત ॥૧૮॥

મન માને મા’લે10 મળી, ચાલે ડોટાડોટ ॥

કર્યું કારજ આપણું, દીધી તુજને ખોટ ॥૧૯॥

સોરઠા

ખોટ મોટી શીદ ખાયે, જાયે જન્મ આ એળ્યે11 અતિ ॥

વિચારી જોને ઉરમાંયે, કાંય કામ ન થયું રતી ॥૨૦॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે તૃતીયઃ પ્રસંગઃ ॥૩॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫