હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૬
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે સાચું સહી, મેં સમજાણું નહિ સોય ॥
તમે કહ્યે તપાસિયું, મારું ન મળે કોય ॥ ૧ ॥
ઠગઠગ ઠગ એ ફાંસિયાં,1 શાહા2 જાણી કર્યો સાથ ॥
મોટા રણમાં રોળિયો, માર્યો ગયો અનાથ ॥ ૨ ॥
એહ જેવાં હોય અંગમાં, ઓળખાવો મુને આજ ॥
નાથ તમારા હાથમાં, મારી છે ગુરુ લાજ ॥ ૩ ॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
એવું સુણી સદ્ગુરુ બોલિયા, સુણજે શિષ્ય સુધીર ॥
ત્વચા દ્વારે વો’રિયા, સ્પર્શ બહુ સમીર ॥ ૪ ॥
સ્પર્શ સુખદ સંસારમાં, દીઠા સુણ્યા સોય ॥
પિંડ અંતર સ્પર્શ્યા વિના, મળ્યે મેલ્યા નહિ કોય ॥ ૫ ॥
શીત ઉષ્ણ શરીરશું, પ્રીતે સ્પર્શ્યા જેહ ॥
ચર્મ મર્મ ચોખાં કરી, રાખ્યાં હૃદયે તેહ ॥ ૬ ॥
નારી નાના બાળનો, સ્પર્શ તે સુખરૂપ ॥
કોમળ કાયા સ્પરશી, અંતર ઉતારી અનૂપ ॥ ૭ ॥
ગાદી તકિયા ગાદલાં, મશરુ કાં મખમલ ॥
લાસાં ગાલ-મસુરિયાં, ઓશિસાં અવલ ॥ ૮ ॥
રૂડાં સહુ રેશમી, સુંવાળા સુખદેણ ॥
એનો સ્પર્શ પામતાં, કે’વા રે’ કાંયે કેણ ॥૯॥
સેજ સમારી સુમને, કોમળ કળી ફૂલ ॥
સ્પર્શ કર્યો સૂઈને, તે કેમ જાશે ભૂલ ॥૧૦॥
મંદ સુગંધ શીતળનો, સ્પર્શ્યો પંડ્યે3 પવન ॥
તેનું સુખ શરીરમાં, વીસરે નહિ કોય દન ॥૧૧॥
ચૂવા-ચંદન ચરચી, અત્તર ચોળ્યાં અંગ ॥
તેલ ફુલેલ તનમાં, સ્પર્શી પામે ઉમંગ ॥૧૨॥
લીસાં સુવાળાં લૂગડાં, ઝીણાં ઘાટાં જેહ ॥
જે જે સ્પર્શ્યાં પિંડને, અંતર ઉતાર્યાં એહ ॥૧૩॥
અતિ સુવાળાં સાવટુ, તેહ સ્પર્શ્યાં ત્વચાય ॥
ભર્યાં છે તેહ ભીતરે, સર્વે હૃદયા માંય ॥૧૪॥
વનવેલી પાત પાષાણનો, સ્પર્શ સુખ દુઃખદાઈ ॥
ગુણ સહિત ગ્રહણ કરી, રાખ્યાં હૃદયા માંઈ ॥૧૫॥
વ્યાળ વીંછી વિષ વહનિ, સ્પર્શે પીડા થાય ॥
એહ પણ સર્વે અંતરે, રાખ્યાં સમજી સદાય ॥૧૬॥
સ્પર્શ પશુ જાતનો, શુદ્ધ અશુદ્ધ સોય ॥
ઓળખી ઉતાર્યો અંગમાં, નિશ્ચે સંશય ન હોય ॥૧૭॥
અનેક વિધની ઔષધી, ગુણ જાણે જન જરૂર ॥
એક સ્પર્શે આનંદશું, એક પરહરે દૂર ॥૧૮॥
જળ ફળ જે જે જગતમાં, સ્પર્શ કર્યો પ્રમાણ ॥
એક સ્પર્શે પીડા ટળે, એક સ્પર્શે પ્રાણની હાણ ॥૧૯॥
એમ સ્પર્શ સર્વે શોધીને, ઉતાર્યા છે ઉર ॥
જડે નહિ જોતાં જાયગા, ભર્યા છે ભરપૂર ॥૨૦॥
અવિનાશી રહે એટલો, નથી માગ મગન ॥
સોય અગ્ર સૂનું4 નહિ, સર્વે વસ્યાં સઘન ॥૨૧॥
જ્યાં ઢેઢ ઢીમર5 ઢોલવી,6 ત્યાં વિપ્ર વસે કોણ વિધ ॥
કલાલ7 કસાઈ કાફરા,8 પાપી જ્યાં પ્રસિદ્ધ ॥૨૨॥
એહવા તારે અંતરે, આવી વસ્યા અઘવંત ॥
કહી દેખાડું કેટલાં, કહિયે ન આવે અંત ॥૨૩॥
ઇયાં નીરખવા નાથને, શિષ્ય ઇચ્છે છે શું જોય ॥
અશુદ્ધ એવા અંતરમાં, હરિનું દર્શન નો’ય ॥૨૪॥
ગંધ ગોબરવાડમાં, કાગા કરે કલોલ ॥
હંસ તિયાં હીસે9 નહિ, માને દુઃખ અતોલ ॥૨૫॥
જેહ એવાં તેવો તુજ છે, મળ્યો સમ સ્વભાવ ॥
અતિશે અવળું થયું, ન કર્યો તોયે અભાવ ॥૨૬॥
વણસમજે વિનતિ કરી, અમથો કરે અરદાસ10 ॥
નથી ઉધારો એહનો, પણ તું તારું તપાસ ॥૨૭॥
સોરઠા
તપાસી ન કર્યો તોલ, અંતરે નિરંતર અવલોકીને ॥
ખોયો જન્મ અમૂલ્ય, વણ વિચારે વાત ગઈ ॥૨૮॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે ષષ્ઠઃ પ્રસંગઃ ॥૬॥