હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૪

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે હું શઠમતિ,1 રતી ન સમજ્યો રીત ॥

મન બુદ્ધિ માન્યાં માહેરાં તેમ જ માન્યું ચિત્ત ॥ ૧ ॥

વેરી તે વા’લાં જાણિયાં, એહ મોટું અજ્ઞાન ॥

ધર થકી2 ધુતાપણું,3 ન કળ્યું મેં નિદાન ॥ ૨ ॥

વળી વળી કરજો વારતા, લળી લળી લાગું પાય ॥

મળી મળી માનીશ મહાપ્રભુ, કળી કળી કે’જો કાંય ॥ ૩ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

સદ્‌ગુરુ કહે નખશિખા લગી, અંગમાંહિ અહંકાર ॥

અહં-મમત કરી માનિયું, યત્કિંચિત્ કૈ’યે લગાર ॥ ૪ ॥

મન સંકલ્પ મો’રે કહ્યા, બુદ્ધિ નિશ્ચયના બહુ ॥

ચિત્તે રાખ્યા ચિંતવી, તે હું ને મારું સહુ ॥ ૫ ॥

મારાં માત ને તાત છે, મારાં ભગિની ભાઈ ॥

મારી જાત ને નાત છે, મારા સગાં ને સાઈ4 ॥ ૬ ॥

સુત કલત્ર સંબંધી, મારું કુળ કુટુંબ ॥

એને અર્થે આ તને, સહું કષ્ટ વિષમ ॥ ૭ ॥

એહ મારાં હું એહનો, તજું નહિ ત્રય કાળ ॥

મમત એહ મેલું નહિ, કરું નિત્યે પ્રતિપાળ ॥ ૮ ॥

એને દુઃખે હું દુઃખિયો, એહને સુખે સુખ ॥

એહને જમે હું જમ્યો, એહને ભૂખ્યે ભૂખ ॥૯॥

એ છે મારા આતમા, એહ છે મારું તન ॥

એ છે મારા પ્રાણપ્રિયે, એ છે મારાં જીવન ॥૧૦॥

મારા મિત્ર ગોત્ર, એહ મારો વંશ વધાર ॥

મેલું કેમ એ મમતને, મારા એ આધાર ॥૧૧॥

અન્ન ધન માલ માહેરો, મારાં પશુ પરિવાર ॥

કુળ મારું ઊંચુ અતિ, હું કુળનો શણગાર ॥૧૨॥

મારે બાપદાદે બહુ કર્યાં, મો’રે મોટાં કામ ॥

તે ઘરનો હું દીકરો, નહિ લજાવું નામ ॥૧૩॥

હું મોટો હું મોવડી,5 પૂછે સહુ મને વાત ॥

દાસ દાસી માહેરે, કરે સેવા દિન રાત ॥૧૪॥

હુકમ ન ફરે માહેરો, કંપે સર્વે જન ॥

શહેર પુર ગઢ ગામનો, હું છું એક રાજન ॥૧૫॥

મારે તુલ્ય ત્રિલોકમાં, કોણ આવે કહો આજ ॥

જુઓ સર્વે જગતથી, મારી મોટી લાજ ॥૧૬॥

હું જે કરું તે થાય છે, હું કરું તે ન ફરે કામ ॥

હું ચલવું તો ચાલે ખરું, હું છઉં સહુનો શ્યામ6 ॥૧૭॥

મારું ધાર્યું થાય છે, ન ધાર્યું નવ થાય ॥

બીજો મારી બરાબરી, જુઓ નથી જગમાંય ॥૧૮॥

હું રૂપાળો રૂડો ઘણું, હું ગોરો અંગ અપાર ॥

થોભા કલમા કાતરા, મૂછ મારી વળદાર ॥૧૯॥

પૂર્વ પશ્ચિમ હું ફર્યો, ઉત્તર દક્ષિણાદિ દેશ ॥

દાઢી જટા જોઈ જાણજો, રાખ્યા છે પંચ કેશ ॥૨૦॥

હું હું કરી હાલે ઘણું, અહં મમત અપાર ॥

હું મારું માને સહી, એહ જાણો અહંકાર ॥૨૧॥

હું પુરાણી પંડિત હું, હું ભણ્યો છું વેદ ॥

શાસ્ત્રમાત્ર સર્વેનો, હું જાણું છું ભેદ ॥૨૨॥

જે જે મેં નિર્ણય કર્યો, તેમાં કાઢે કોઈ ખોટ્ય ॥

જાવા ન દેઉં જીતીને, કરું હું કળાઓ કોટ્ય ॥૨૩॥

હું વક્તા વાચાળ7 હું, હું મંડળીનો મેત8

મારા મુખની વારતા, સહુ સુણે કરી હેત ॥૨૪॥

હું ગુરુ હું ગરઢો, બીજા સરવે બાળ ॥

મારી બરોબર એ સહુ, આવે નહિ કોઈ કાળ ॥૨૫॥

હું મારું કરી માનિયું, જગમાં યત્કિંચિત ॥

એહ અહંતા રૂપની, શિષ્ય સુણી લે રીત ॥૨૬॥

અહં મમતે રાખ્યાં અતિ, ભરી ભીતર મોઝાર ॥

જે જે પદાર્થ જગતમાં, નામ રૂપ ગુણ આકાર ॥૨૭॥

છલોછલ શરીરમાં, ભર્યાં એહ ભરપૂર ॥

કહો હરિ તે ક્યાં રહે, શિષ્ય સમજ જરૂર ॥૨૮॥

દિન બહુથી દાખડો, તેં આદર્યો છે આપ ॥

પણ કેમ આવે હરિ તિયાં, તારા ઘરમાં9 પાપ ॥૨૯॥

કાઢ્યાં ન નીસરે કોયથી, એવાં ઘાલ્યાં છે મૂળ ॥

કળે બળે જાય કાઢવા તો, સો સો કરે એ શૂળ10 ॥૩૦॥

હરિને દોષ દઈશ મા, શ્રી હરિ છે જો તૈયાર ॥

આવી વસે અંતરે, જો હોય નવરું નિરધાર ॥૩૧॥

ગોબરવાડે11 ઘર ભર્યું, ઉકરડો અતિ ગંધ્ય ॥

એવું અંતર તાહેરું, કેમ રહે હરિ તેહ મધ્ય ॥૩૨॥

સોરઠા

અંતર અતિ અશુદ્ધ, વિવિધ ભાતે વિકારે ભર્યું ॥

તિયાં રહે કેમ બુદ્ધ,12 અતિ શુદ્ધ જે શ્રીહરિ ॥૩૩॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે ચતુર્થઃ પ્રસંગઃ ॥૪॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫