હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૨
દોહા (શિષ્ય ઉવાચ)
ત્યારે શિષ્ય કહે સમજ્યો સહી, જે જે કહી કૃપા કરી વાત ॥
આજ થકી મેં ઓળખ્યાં, ઘરને1 કરી છે ઘાત2 ॥ ૧ ॥
એહ વિના એવા કોયે, બીજા જે દગાબાજ ॥
કૃપા કરી કે’જો ફરી, ઓળખું એને હું આજ ॥ ૨ ॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
તૈયે સદ્ગુરુ કહે સાંભળ્ય વળી, બીજી બુદ્ધિ તું જાણ્ય ॥
એહ તારા અંતરમાં, હંમેશ કરે છે હાણ્ય3 ॥ ૩ ॥
જે જે સંકલ્પ મન કરે, તે તે બુદ્ધિ કરે પ્રમાણ ॥
નિઃસંશય નિશ્ચય કરે, ન ફરે તે નિરવાણ ॥ ૪ ॥
માત તાત સુત સંબંધી, વળી તે વર્ણાશ્રમ ॥
ઠીક એહ ઠેરાવિયાં,4 નાત્ય જાત્ય કુળ ધર્મ ॥ ૫ ॥
બાળ જોબન વૃદ્ધપણું, નામ રૂપ નિરધાર ॥
નકી તે નિશ્ચય કર્યું, ભર્યું ભીતર મોઝાર ॥ ૬ ॥
નર નારી ત્યાગી ગૃહી, વળી જે લીધો વેશ ॥
તેને તેવું મનાવિયું, અંતરમાં અહોનિશ ॥ ૭ ॥
પશુ પંખી પન્નગ નગ,5 વન વેલી જે જે જાત ॥
બુદ્ધિયે બહુ નિશ્ચય કર્યા, વિદેશ દેશ વિલાત ॥ ૮ ॥
એક એકમાં અનેક વિધિ, નામ રૂપ ગુણ આકાર ॥
એ સર્વે અંતર આણિયાં, કે’તાં ન આવે પાર ॥૯॥
જે જે જાણી જગતમાં, વસ્તુ વિવિધ પ્રકાર ॥
તે તે દૃઢાવી અંતરે, ભર્યો તેનો ભંડાર ॥૧૦॥
અવનિ આપ6 વળી તેજ જે, અનિલ7 ને આકાશ ॥
પદાર્થ એહ પંચના, કરી ભેળી લઈ કાશ8 ॥૧૧॥
મણમણનું મનાવિયું, કણકણની કહું વાત ॥
ધણધણનું દૃઢાવિયું, જણજણની9 જે જાત ॥૧૨॥
પોત પોતાનું પારખ્યું, જોત્ય જોત્યનું જેહ ॥
રંગરંગના રૂપને, તરત મનાવ્યું તેહ ॥૧૩॥
વાતવાતની વિગતી, જાતજાતનું જેમ ॥
પાતપાતનું પારખ્યું, ઘાતઘાતનું એમ ॥૧૪॥
વણજ વેપાર વે’વાર વ્યાજ, ખત10 કાગળની ખોંચ11 ॥
બુદ્ધિમાં બેસી ગઈ, પર પોતાની પોં’ચ ॥૧૫॥
રસરસના રૂપને, જાણે જેમ છે તેમ ॥
ખટરસ ખોળી ખરા કર્યા, ત્યાં હરિ દેખાયે કેમ ॥૧૬॥
સૂતાં ઊઠી સુખના, કરે બુદ્ધિ બહુ વિચાર ॥
આ ખાધે સુખ ઉપજે, આ ખાધે વાધે વિકાર ॥૧૭॥
હોજ હવેલી મેડિયું, મંદિર મો’લ મોલાત12 ॥
ઘર કોટ બહુ બંગલા, મતિયે મનાવી એ વાત ॥૧૮॥
એવાં અનેક અંતરે, ભર્યા લઈ ભરપૂર ॥
અશુદ્ધ એવું અવલોકીને, હરિ રહે છે દૂર ॥૧૯॥
વળી રાગરાગ હૃદે રહ્યાં, છંદ પ્રબંધની રીત ॥
વર્ણવર્ણ વિગતી ખરી, કાના માત્ર સહિત ॥૨૦॥
શાસ્ત્ર શાસ્ત્ર સર્વનું, શોધી લિયે સાર ॥
આવે મળતું અંગમાં, તે રાખે કરી બહુ પ્યાર ॥૨૧॥
જળજળનું જાણે ઘણું, ફળફળનો બહુ ફેર ॥
ખળખળની ખોજ ખરી, પળપળની બહુ પેર ॥૨૨॥
રાળ રૂપૈયા મો’રમાં, મનાવ્યો છે માલ ॥
કથીર13 રૂપા કનકમાં, વેરો ન પડે વાલ14 ॥૨૩॥
માણેક મોતી મણિકણી, પના પિરોજા હીર ॥
લાલ પ્રવાળાં લસણિયાં, થાપ્યા મતિએ થીર15 ॥૨૪॥
જડીબુટી જાણે ઘણી, ગરમ વાયુ વાસીત ॥
એહ આદિ બહુ અંતરે, નવેનવાં નિતનીત ॥૨૫॥
મંત્ર જંત્ર મૂઠ્ય ટોનો,16 નાટક ચેટક ચોટ ॥
ભૈરવ ભૂત ભવાની ભય, કૈ દેવ અદેવ કોટ ॥૨૬॥
જે જે જાણ્યા જગતમાં, તે તે નિશ્ચે કર્યાં ઊર17 ॥
કહો શિષ્ય હરિ ક્યાં રહે, ભર્યું ભીતર ભરપૂર ॥૨૭॥
કહી કહી કહ્યાં ઘણા, રહી રહી ગયાં અનેક ॥
સહી સહી વાત શોધી કહું, નહીં નહીં ન કે’વાયે નેક ॥૨૮॥
મેં કહ્યા દગા અંગઅંગના, રહી ગયા કઈ રોમરોમ ॥
જથારથ એ જાણવા, છે બુદ્ધિને ફોમ18 ॥૨૯॥
જેણે જાણી નિશ્ચય કર્યા, ભર્યા ભીતરને માંઈ ॥
ખાલી ઠેકાણું ખોળતાં, રે’વા દીધું નહિ ક્યાંઈ ॥૩૦॥
શિષ્ય નથી તું સમજતો, તું છું ભોળો ભૂપ ॥
તુંને બોળ્યો19 તાહેરે, તેનું ન જાણ્યું રૂપ ॥૩૧॥
સોરઠા
સાચી કહું છું એ વાત, સમજે સુખ પામીશ સહી ॥
નહિ તો શત્રુ સાક્ષાત, વાત બગાડશે બહુ કહું ॥૩૨॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે દ્વિતીયઃ પ્રસંગઃ ॥૨॥