હૃદય પ્રકાશ
પ્રસંગઃ ૧૩
દોહા (શિષ્ય ઉવાચ)
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, કહી કૃપા કરી વાત ॥
જે જે મેં પૂછિયું, તે કહ્યું તમે બહુ ભાત ॥ ૧ ॥
શત્રુ સર્વે શોધીને, દેખાડ્યા દગાદાર ॥
દીપક દીધો હાથમાં, અળગું કર્યું અંધાર ॥ ૨ ॥
કોટી કોટી કૃપા કરી, ખોટ દેખાડી ખોળ્ય ॥
અણસમજે લઈ એકઠી, ભેળી કરી’તી ભોળ્ય1 ॥ ૩ ॥
તે જેમ છે તેમ જણાવિયું, અજાણ્યું ન રહ્યું એક ॥
હવે હું ચેતું નહીં, તો એ મારો અવિવેક ॥ ૪ ॥
અણસમજુને એટલી, આપે શિખામણ કોણ ॥
પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ2 ॥ ૫ ॥
વળી પૂછું એક વારતા, દોય હરિના દાસ ॥
એક દેખે હૈયે હરિ મૂરતિ, અને એકને બહુ વિશ્વાસ ॥ ૬ ॥
એહ બેઉ બરોબરી, પામે પ્રાપતિ એક ॥
કે ફેર છે કાંઈ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક ॥ ૭ ॥
દોહા (સદ્ગુરુ ઉવાચ)
ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ્ય શિષ્ય સુજાણ ॥
જેને ભરોંસો ભગવાનનો, તેનું એ પરમ કલ્યાણ ॥ ૮ ॥
જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે લગાર ॥
તેમ પ્રભુ સ્પર્શ પ્રતાપથી, વામે સર્વ વિકાર ॥૯॥
જડ માંહી પણ જાણવો, એટલો ચમતકાર ॥
ચૈતન્યઘનમય મૂરતિ, તે મળતાં સુખ અપાર ॥૧૦॥
માટે ન્યૂન ન માનવું, રે’વું આનંદમાં અભિરામ ॥
જેને મળ્યા પ્રગટ પ્રભુ, તે સહુ છે પૂરણકામ ॥૧૧॥
હવે જેને ઉર અખંડ રહે, હરિમૂર્તિ હૈયા મોઝાર ॥
તેની વાત વર્ણવી, કહું હૃદયમાં ધાર ॥૧૨॥
જેમ પામે કોય ચિંતામણિ, તે જે ચિંતવે તે થાય ॥
તેમ જેને ઉર મૂરતિ રહે, તે દેખે જે જે ચા’ય3 ॥૧૩॥
તે ઇચ્છે જો અમરાવતી, કે ઇચ્છે જો કૈલાસ ॥
બ્રહ્મલોક ઇચ્છે વૈકુંઠને, તો દેખે સમીપે દાસ ॥૧૪॥
શ્વેતદ્વીપ ગોલોકને, ઇચ્છે જો અક્ષરધામ ॥
દેખી દૃગે પોતા તણે, માને પૂરણકામ ॥૧૫॥
વળી રે’વાસી એ ધામના, તેહને દેખે તેહ ॥
અગમ ન રહે એહને, જુવે ચિંતવી જેહ ॥૧૬॥
જો જોવા ઇચ્છે મુક્તને, તો દેખે મુક્તમંડળ ॥
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ન રહે કોઈ અકળ ॥૧૭॥
જો ઇચ્છે જોવા અવતારને, દશ ચોવીસ અનંત ॥
તો નીરખે સહુને નજરે, આવે સુખ અત્યંત ॥૧૮॥
એમ એને અંતરે, વરતે સુખ અપાર ॥
તે પ્રતાપ પ્રગટ પ્રભુનો, જન જાણે નિરધાર ॥૧૯॥
મોટો પ્રતાપ મહારાજનો, જીભે કહ્યો ન જાય ॥
અસામર્થી એમાં નથી, જેહ ધારે તેહ થાય ॥૨૦॥
પણ જેમ જેને રાખ્યું ઘટે, તેહને રાખે તેમ ॥
માટે સુખદ સહુના, કહિયે દુઃખદ કેમ ॥૨૧॥
એમ જાણી જન મનમાં, રાખે વડો વિશ્વાસ ॥
મેલી ગમતું મનનું, થઈ રહે હરિદાસ ॥૨૨॥
વૈદ્ય જેમ બહુ વિધિયે, આપે ઔષધ અનેક ॥
સહુ રોગીને સરખું, ઔષધ ન હોય એક ॥૨૩॥
સમાધિ સખા સ્નેહનું, દાસ વિશ્વાસનું અંગ ॥
માહાત્મ્ય મિત્ર વચન વળી, ભક્ત ભજન અભંગ ॥૨૪॥
એ સર્વે અંગ શિરોમણિ, પામે પદ નિરવાણ ॥
અધિક ન્યૂન એમાં નહિ, સમજી લે તું સુજાણ ॥૨૫॥
પ્રગટ પ્રભુ મળ્યા પછી, ઓછપ ન માનવી અંગ ॥
સહુ સરખું પામશે, અખંડ સુખ અભંગ ॥૨૬॥
શિષ્ય જે જે તેં પૂછિયું, તે કહ્યું કરી વિસ્તાર ॥
હજી હોય કાંઈ પૂછવું, તો પૂછ સુખે કરી પ્યાર ॥૨૭॥
સોરઠા
પૂછ કરી બહુ પ્યાર, શંકા તજીને શિષ્ય સુખે ॥
મ કર સંકોચ લગાર, કરજે પ્રશ્ન પ્રગળ4 થઈ ॥૨૮॥
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે ત્રયોદશઃ પ્રસંગઃ ॥૧૩॥