હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૫

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે એહ સત્ય છે, તમે કહ્યું જેમ છે તેમ ॥

વાત ગઈ બહુ બગડી, કહો કરું હવે કેમ ॥ ૧ ॥

ઉપાય એહનો અમને, બતાવિયે વાલમ ॥

કહો કેમ એહ નીસરે, તેહની પડાવો ગમ1 ॥ ૨ ॥

અંતઃકરણ રહે અંતરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ॥

જક્ત પદાર્થ જે કહ્યાં, તે તો રહે છે બા’ર ॥ ૩ ॥

કેમ આવ્યાં એહ અંતરે, ભરાઈ ગયાં ભીતર ॥

નિસાર્યા નીસરે નહિ, કરી રહ્યાં એહ ઘર ॥ ૪ ॥

એની મેળે એહ આવવા, નથી નિશ્ચે સમર્થ ॥

આવી સહુ સબળાં થયાં, આદરિયો અનર્થ2 ॥ ૫ ॥

અણઇચ્છ્યાં એ આવી રહ્યાં, કે લાવિયાં વળી કોય ॥

પૂછું છું એહ પ્રશ્નને, સદ્‌ગુરુ કહેજો સોય ॥ ૬ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

સદ્‌ગુરુ કહે સાચી કહું, તેં પૂછી તેહની વાત ॥

શ્રુતિ3 દઈ સાંભળ્ય હવે, કહું તુંને સાક્ષાત ॥ ૭ ॥

અંતઃકરણની આગળે, પ્રધાન4 રહે છે પંચ5

જોઈએ જેવું જે સમે, તેવો સોંપે છે સંચ6 ॥ ૮ ॥

દિગ7 વાયુ દિનકર8 કહું, વરુણ અશ્વિનીકુમાર ॥

જડ ચૈતન્ય જે જક્તમાં, તેહ લાવી કરે તૈયાર ॥૯॥

દિગદ્વાર દોય કાન છે, સમીર9 દ્વાર સોય ચર્મ ॥

અર્ક10 દ્વાર સો આંખ્ય દો, એહ સમજી લે મર્મ ॥૧૦॥

વરુણદ્વાર જાણો જીભને, અશ્વિનીકુમાર દ્વાર નાક ॥

વળગ્યા પંચે વો’રવા,11 ન જુએ પાક12 નપાક ॥૧૧॥

દિગ કાન દ્વારે કરી, વડો કરે વેપાર ॥

શબ્દ સર્વે જક્તના, લઈ લઈ ભર્યા ભંડાર ॥૧૨॥

નર નારી વૃદ્ધ બાળના, યુવાના શબ્દ જેહ ॥

વહોરી13 વિવિધ ભાતશું, અંતરે ઊતર્યા એહ ॥૧૩॥

પશુ પંખી પન્નગના, જડ ચૈતન્યના જેમ ॥

નામ રૂપ આકાર ગુણ, વિગતે વહોર્યા એમ ॥૧૪॥

સુખદુઃખદાયી શોધીને, રાખ્યા રુદિયા માંય ॥

જેમ બોલે તેમ જાણી લિયે, સંશય ન રહે કાંય ॥૧૫॥

શત્રુ મિત્ર શબ્દને, સમજે સર્વ સુજાણ ॥

ભેળા કર્યા લૈ ભીતરે, ઘટ માંહી ઘમસાણ ॥૧૬॥

ઢોલ નગારાં દુંદુભિ, તૂરી શરણાઈ શંખ ॥

ઝાંઝ મૃદંગ મંજીરાં, ગોમુખ શીંગી અસંખ્ય ॥૧૭॥

સતાર સરોદા સારંગી, સરીમંડળ મોરચંગ ॥

ભેર્ય ભૂંગળાં વાંસળી, દોકડ મોવર્ય ઉપંગ ॥૧૮॥

ઘડિયાળ ઘંટા ઘૂઘરા, ઝાલર જંતર જેહ ॥

વીણા વેતાંન રવાજ ડફ, રણશીંગ તિંદરી તેહ ॥૧૯॥

કરણાટક-કમાચા, સ્વર અલગોજા સાર ॥

તવલ ત્રાસાં ખંજરી, પડઘમ આદિ અપાર ॥૨૦॥

જે જે વાજાં સાંભળ્યાં, તેનો કરી નિરધાર ॥

લઈ ઉતાર્યાં અંતરે, નામ રૂપ આકાર ॥૨૧॥

ગ્રામ સ્વર તાલ મૂર્છના, તાનતણો નહિ પાર ॥

સુણી શીખી સાંભળી, ભર્યાં હૃદય મોઝાર ॥૨૨॥

કવિત સવૈયા સાખી છપ્પે, જે જે છંદની જાત ॥

દોહા ચોપાઈ સોરઠા, શીખ્યો સહુની વાત ॥૨૩॥

પૂર્વછાયા પરજિયા, પૂરા અધૂરા છંદ ॥

શબ્દ તણા સમૂહનાં, વસ્યાં અંતરમાં વૃંદ14 ॥૨૪॥

કાવ્ય કથા પુરાણ પદ, શાસ્ત્ર વેદ બહુવિધ ॥

એહ ભરાણાં ભીતરે, પેખી દેખ પ્રસિદ્ધ ॥૨૫॥

એક પશુમાં અનેક વિધ, અતિ જુદા ઉચ્ચાર ॥

રીત જે રવરવ તણી,15 કે’તાં ન આવે પાર ॥૨૬॥

ગજ બાજ ગાય મહિષી, ઊંટ ખૂંટ ખર જંબુ વાઘ ॥

શબ્દ શ્વાનના સાંભળી, ન હોય અતિ અનુરાગ16 ॥૨૭॥

રીંછ ભીંછ ને ભૂંડણાં, વ્યાઘ્ર વાનર નોળ ॥

શબ્દ સુણી સમજી, રાખ્યા હૃદયે અતોળ ॥૨૮॥

રોઝ ગેંડા સેમરાં, સાબર સીંગા સોય ॥

રૂપ સહિત રાખ્યાં હૃદે, રહ્યું ન બા’રું કોય ॥૨૯॥

એહ આદિ અનંત પશુ, કહેતાં તે નાવે પાર ॥

રવરવે જુદાં જાણિયે, નામ ગુણ આકાર ॥૩૦॥

કહી કહી કહીએ કેટલા, પશુ શબ્દ પ્રકાર ॥

આવી રહ્યા સહું અંતરે, નથી માગ17 લગાર ॥૩૧॥

મોર બપૈયા શુક મેના, શબ્દ એના સુખદેણ ॥

કાક કપોત ચીબરી, ઉલૂક શબ્દ દુઃખદેણ ॥૩૨॥

સારસ હંસ ષટપદા, રવ એહના રસાળ ॥

બક સીંચાણા શકરા, એહ બોલ્યે બહું જંજાળ18 ॥૩૩॥

એહ આદિ અનંત ખગ,19 બોલે બહુ પ્રકાર ॥

શુભાશુભ સ્વર સાંભળી, રાખ્યા હૃદય મોઝાર ॥૩૪॥

પંખી બહુ પેરપેરનાં,20 બોલીમાં બહુ ફેર ॥

શબ્દ સમજે સહુના, એહમાં નહિ અંધેર21 ॥૩૫॥

શબ્દ આવે કાનમાં, લાવે રૂપ આકાર ॥

તે તે સર્વે સમજીને, ભર્યાં લઈ ભંડાર ॥૩૬॥

પગ માંડ્યાની જાયગા, નથી નવરી નેક ॥

ત્યાં તેડે છે નાથને, વણ કરે વિવેક ॥૩૭॥

શ્રવણ દ્વારે શોધીને, આણ્યા શબ્દ અનંત ॥

ઉતાર્યા લૈ અંતરે, સમજે એહ બુદ્ધિવંત ॥૩૮॥

એમ વસાવ્યાં અંતરે, જક્ત પદારથ જોર ॥

તે જાણે છે તાહેરાં, પણ એ છે ચોખાં ચોર ॥૩૯॥

શિષ્ય તું સમજ્યો નહિ, ગયો એળ્યે22 અવતાર ॥

તારું તારા ઉપરે, ચાલ્યું નહિ લગાર ॥૪૦॥

ગાફલ તું ઘરઘરના, ઠગી ખાય છે ઠગ ॥

કામ પડે કેનાં નહિ, સર્વે સ્વારથ લગ ॥૪૧॥

કહિયે શિખામણ કેટલી, હૈયે નહિ ઉકેલ ॥

આશા સહી એ અંબુની,23 ઉન્મત્ત24 માથે હેલ25 ॥૪૨॥

સોરઠા

ઉન્મત્ત નરની સંપત, અવર જનને આવે અરથે ॥

પોતે ભોગવે વિપત, બુદ્ધિહીન જે બાવરો26 બહુ ॥૪૩॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે પંચમઃ પ્રસંગઃ ॥૫॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫