હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૮

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કે’ સદ્‌ગુરુ સુણો, ખરી બતાવી ખોટ ॥

પર જાણી પોતા તણાં, બાંધી મમતની મોટ1 ॥ ૧ ॥

દયા કરી દેખાડિયું, અંતરનું અજ્ઞાન ॥

શઠપણે2 સમજ્યો નહિ, જોર થયું જે જ્યાન ॥ ૨ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

ત્યારે સદ્‌ગુરુ બોલિયા, સાંભળ શ્રદ્ધાવાન ॥

વેરી બતાવું તાહેરાં, જે નરસાં છે નિદાન ॥ ૩ ॥

દિગ વાયુ સૂર કહ્યા, તેવો જ વરુણ વખાણ ॥

રસના દ્વારે રહીને, લાવે રસ નિરવાણ ॥ ૪ ॥

ખાટા ખારા તમતમા, તીખા ગળ્યા ચીગઠ3

જીહ્વાએ જૂજવા જોઈને, શોધી લાવ્યો શઠ ॥ ૫ ॥

પેંડા પતાસાં પૂરીઓ, શીરો સાબુડી4 સોય ॥

શકરપારા સૂતરફેણી, સેવ સુંવાળી જોય ॥ ૬ ॥

બરફી બિરંજ કળિ ગાંઠિયા, ઘેબર ગુંદરપાક ॥

મગદળ મુરકી માલપુડા, મેસુબ સુંદર શાક ॥ ૭ ॥

ખીર ખાજાં રોટલી, સાટા જલેબી જાણ ॥

હલવો લાડુ લાપસી, બાસુંદિયો વખાણ ॥ ૮ ॥

ફાફડા ફૂલવડી, ભજિયાં તે બહુ ભાત ॥

પુડા પકોડી કઢી વઢી, દૈથરાં વડાં વડી વાત ॥૯॥

જાણી જિહ્વાએ જૂજવી, સ્વાદ સર્વની રીત ॥

આણી ઉતારી અંતરે, અતિ ઘણી અગણિત ॥૧૦॥

શાક બહુ સોયામણાં, ભાજી તરકારી તેહ ॥

વઘારી વિધવિધની, સુખદ જમતાં જેહ ॥૧૧॥

ફળ દળ મૂળ કંદનો, જાણી જૂજવો રસ ॥

જીભે ઉતાર્યો અંતરે, ઓળખી લે તું અવશ્ય ॥૧૨॥

જે જે રસ આ જગતમાં, ભર્યા સભર ભરપૂર ॥

તે તે રસ જીભે કરી, આણી ઉતાર્યા ઉર ॥૧૩॥

એક વાર આહાર જે જે કર્યો, ભર્યો રસે ભરપૂર ॥

તેને પાછો પામવા, કરે જતન જરૂર ॥૧૪॥

વિસાર્યા વીસરે નહિ, જે રહ્યા હૃદયમાં રસ ॥

સૂતાં બેઠાં સાંભરે, ખટકે રાત દિવસ ॥૧૫॥

ભાંણે5 ટાંણે જો ન મળે, તો બળે અંતર બહુ રીત ॥

ઘાયલ થઈ ઘૂમે ઘણું, એવી બંધાણી પ્રીત ॥૧૬॥

સાલે6 ઘણા શરીરમાં, સ્વાદ તણા બહુ સાલ7

દિન દિન પ્રત્યે દીન રહે, કરી મૂક્યો કંગાલ ॥૧૭॥

એમ રસ અનેક વિધ, ભરાઈ રહ્યા ભીતર ॥

ખસે ન કોઈના ખેસવ્યા, કરી રહ્યા એહ ઘર ॥૧૮॥

પશુ પંખી પન્નગ લગે, નર નારી હેરાણ ॥

દેવ દાનવ દેખિયે, સહુ રસના વેચાણ ॥૧૯॥

નથી નજરે આવતા, રસનાના રસે રહિત ॥

જિહ્વાએ સહુને જીતિયા, રહી રસના અજિત ॥૨૦॥

એમ રીત છે રસની, સમજી લેજે સોય ॥

જેને રસે ન રોળિયો, એવો ન દીઠો કોય ॥૨૧॥

એમ તાહેરે અંતરે, સ્વાદ તણું છે સેન8

તિયાં દયાળ દેખ્યા તણું, વારુ મ કર્ય તું વેન9 ॥૨૨॥

શિષ્ય તું સમર્થ નહિ, જે કર તું એહનો ત્યાગ ॥

વિગતે વિગતે વસી રહ્યાં, જરાય ન રહી જાગ ॥૨૩॥

કિયાં આવી હરિ રહે, કિયાં રહી કરિયે વાત ॥

અનાડી10 એહ અતિ ઘણાં, કરે મોટો ઉતપાત ॥૨૪॥

સોરઠા

અતિ કર્યો ઉતપાત, વાત હાથથી વહી ગઈ ॥

દગો દિવસ ને રાત, અતિ આદરી બેઠાં સઈ ॥૨૫॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે અષ્ટમઃ પ્રસંગઃ ॥૮॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫