હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૧૫

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે ધન્ય ધન્ય ગુરુ, ભલો બતાવ્યો ભેદ1

સહજે શ્રીહરિ સાંભરે, થાય વિષય ઉચ્છેદ ॥ ૧ ॥

વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ હરામ ॥

તે સમુ સમજાવિયું, સંભારવા ઘનશ્યામ ॥ ૨ ॥

સૂક્ષ્મ વાતો સૂચવી, કહો કોણ કે’નાર ॥

અલ્પ પ્રશ્ન ઉપરે, કો’ છો કરી વિસ્તાર ॥ ૩ ॥

વળી કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન ॥

શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ કહું દઈ કાન ॥ ૪ ॥

વચન તમારા મુખનાં, તે સર્વે સુખ દેનાર ॥

હેતે ભર્યાં હોંસે કરી, સુણીશ હું કરી પ્યાર ॥ ૫ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

સદ્‌ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત ॥

રાત-દિવસ હૃદયે રહે, હરિ ચિંતવન ચિત્ત ॥ ૬ ॥

રસ સરસ સંસારમાં, મળે જો મનભાય2

તેમાં શ્રીહરિ સાંભરે, એવો કહું ઉપાય ॥ ૭ ॥

ષટ રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ ॥

તે સમય સંભારતાં, સાંભરે શ્યામ સનેહ ॥ ૮ ॥

રસોઈ રસે ભરી, કરી હરિને કાજ ॥

તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ॥૯॥

સુંદર સ્વાદુ સુખડી, પેર પેરના પાક ॥

પીરસતા પંગતમાં, સુખદ કરેલાં શાક ॥૧૦॥

ભોજન વ્યંજન બહુ ભાતનાં, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજ્ય ॥

તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા કરી મોજ્ય ॥૧૧॥

આંબુ3 લિંબુ જાંબુ જમ્યા, નાલિ4 કેળી રાણ્ય અનાર5

જામ રામ સીતાફળ, ખારેક જમ્યા કરી પ્યાર ॥૧૨॥

બહુ ફળ મૂળ કંદનો, કે’તાં ન આવે અંત ॥

જે જે જમ્યા જગપતિ, તે સંબન્ધ સંભારે સંત ॥૧૩॥

ચોળાફળી ચણેચી6 ચીભડાં, જમતા જે જગદીશ ॥

મરચાં મેથી મૂળા મોગરી, એહ સંભાર્યને તું શિષ્ય ॥૧૪॥

ફળ મૂળ પુષ્પ પાનને, જમતા જોયા નાથ ॥

તે સંત નિત્ય ચિંતવી, સદા રહે છે સનાથ ॥૧૫॥

ઈક્ષુદંડ7 ખંડ8 ખારવો,9 શર્કરા સુખદેણ ॥

એહ સંબંધે સાંભરે, દીનબંધુ દિનરેણ ॥૧૬॥

મહી માખણ ઘૃત પય લઈ, પીધાં પાણી પવન ॥

તે દીઠે હરિ સાંભરે, જ્યારે જુવે એહ જન ॥૧૭॥

જે જે રસ આ જક્તમાં, ગળ્યા ચીકણા ખાટા ખાર ॥

તીખા ને વળી તમતમા, ખોળ્યા ષટ પ્રકાર ॥૧૮॥

એમ રસ અનેક જેહ, પામ્યા હરિનો જોગ ॥

સબીજ10 એમ સંભારતાં, રહે નહિ ભવરોગ ॥૧૯॥

સુગંધીમાં પણ સાંભરે, જગજીવન જગતાત ॥

વિધવિધે તે વર્ણવી, કહું કાંયેક તે વાત ॥૨૦॥

ચૂવા ચંદન ચરચ્યાં, અત્તર ફુલેલ તેલ ॥

તે સાંભરતાં સાંભરે, અંતરમાં અલબેલ ॥૨૧॥

કર્પૂર કેસર કસ્તુરી, અગર અર્ઘ્ય અનૂપ ॥

તેલ ધૂપેલ સંબન્ધશું, સાંભરે હરિ સુખરૂપ ॥૨૨॥

પુષ્પ બહુ પ્રકારનાં, સુગંધ ભર્યાં અતિ સાર ॥

તે જોતાં હરિ સાંભરે, અંગે ધર્યાં અપાર ॥૨૩॥

તોરા ગજરા હાર હૈયે, પોંચી બાજું બાંય ॥

ગુછ ગુલાબી ફૂલના, પુષ્પ કંકણ11 પાય ॥૨૪॥

પંખા પછેડી ફૂલની, છડી છોગે છાયાં ફૂલ ॥

ટોપી ઓપી12 ફૂલની, સર્વે ફૂલ અમૂલ ॥૨૫॥

બહુ પેરે બહેકી13 રહી, શુદ્ધ સુગંધી સાર ॥

એમ સુગંધમાં સાંભરે, પ્રીતમ પ્રાણ આધાર ॥૨૬॥

એમ સુગંધી શોધીને, લેવી કરી તપાસ ॥

જેમાં સંબંધ નહિ શ્યામનો, એવી લેવી નહિ વાસ ॥૨૭॥

શબ્દ સ્પર્શ રૂપ રસ, કાંઈ સુગંધી સાર ॥

હરિસંબન્ધે સુખદ સહુ, વણ સંબંધે દુઃખ વિકાર ॥૨૮॥

વળી રહસ્યની વારતા, શિષ્ય સુણે સાક્ષાત ॥

પંચ ઇન્દ્રિય પાવન કરે, એવી કહુ એક વાત ॥૨૯॥

શ્રોત્ર ત્વક્ તુને કહું, શુદ્ધ થાવાની રીત ॥

નયન જિહ્વા નાસિકા, એ હોય જેમ પુનીત ॥૩૦॥

પ્રગટ પ્રભુ પામ્યા વિના, અનઘ ન હોય એક ॥

પ્રસંગ પ્રગટનો પામતાં, હોય નિષ્પાપ એહ નેક ॥૩૧॥

શ્રવણે શબ્દ સુણ્યા હતા, અતિ અઘે ભર્યા અશુદ્ધ ॥

તે શબ્દ સુણતાં શ્યામના, થાય શ્રોત્ર દોય શુદ્ધ ॥૩૨॥

સ્પર્શ ત્વચાએ શોધીને, કર્યો હતો કળિમળરૂપ ॥

તે સ્પર્શ પ્રભુનો પામીને, થઈ ત્વચા શુદ્ધ અનૂપ ॥૩૩॥

નયણે રૂપ નિહાળીને, પેખી કર્યા’તાં પાપ ॥

તે રૂપ જોઈ મહારાજનું, નયણ થયાં નિષ્પાપ ॥૩૪॥

રસના લઈ બહુ રસને, અઘે રહી’તી અવરાય ॥

તે હરિપ્રસાદી પામીને, નિર્દોષ થઈ જિહ્વાય ॥૩૫॥

નાસે વાસ અતિ નરસી, જગમાંય લીધી’તી જેહ ॥

તે હાર હરિના સૂંઘતાં, ટળે પાપ એહ તેહ ॥૩૬॥

એમ સંબંધ શ્રીહરિ તણે, પ્રજળે પંચે પાપ ॥

પણ પ્રગટ પ્રભુ મળ્યા વિના, સમે નહિ સંતાપ ॥૩૭॥

એમ પંચ ઇન્દ્રિયનાં પાપ જે, પ્રભુ સંબંધે પળાય14

જે જે જન એમ જાણશે, તે તે શુદ્ધ સઘળાય ॥૩૮॥

એહ ધ્યાન એહ ધારણા, એહ જ સહજ સમાધ ॥

એમ સમજે શિષ્ય જે, તે પામે સુખ અગાધ ॥૩૯॥

એમ વિષય પંચમાં, મુખ્ય રાખે મહારાજ ॥

જેમ કરે કામ જે ગોટિકા,15 તે ન કરે કામ અવાજ ॥૪૦॥

જેમ ધાય16 લોભી ધનને, કામી સંભારે કામ ॥

એમ શિષ્ય સંભારવા, સુંદર શ્રી ઘનશ્યામ ॥૪૧॥

એમાં કઠણ કાંઈ નથી, નથી કાયા કલેશ ॥

એ કળ17 આવે અંગમાં, તો સહુથી વાત સરેશ18 ॥૪૨॥

શિષ્ય જે જે તેં પૂછિયું, તે તે કહ્યું મેં તોય ॥

સુંદર ગ્રંથ સારો થયો, સમજશે સહુ કોય ॥૪૩॥

શિષ્ય જેમ છે તેમ કહ્યું, રતી રતીનું રૂપ ॥

નિષ્કુળાનંદને ઉર રહી, કહી એ કથા અનૂપ ॥૪૪॥

જે જન શ્રવણે સાંભળી, કરશે તને તપાસ ॥

અંતર અરિ ઓળખશે, થાશે હૃદય પ્રકાશ ॥૪૫॥

ફાટી દૃષ્ટ ફેરવી, આણી વાળશે ઉર ॥

તેને સમુ સૂઝશે, જાણો જન જરૂર ॥૪૬॥

બીજા કોટિ ઉપાયથી, કે દી કાજ ન હોય ॥

શ્રીસહજાનંદ શરણ વિના, કુશળ ન દીઠો કોય ॥૪૭॥

દેવ દાનવ માનવ મુનિ, સહુ વિષયને વશ ॥

શિવ અજને સૂઝ્યો નહિ, જે અતિ થયો અપજશ ॥૪૮॥

એટલા માટે આ કથા, વર્ણવી વિવિધ પ્રકાર ॥

શુદ્ધ શિષ્ય સમજજે, સહુનું છે આ સાર ॥૪૯॥

સંવત્ અઢાર છનુંવો, અષાઢ સુદી એકાદશી દન ॥

રચ્યો ગ્રંથ વરતાલમાં, રાખી હૃદે ભગવન ॥૫૦॥

સોરઠા

કહી એ કથા અનૂપ, યથાર્થ જેમ છે તેમ સહી ॥

સમજાવ્યું સર્વનું રૂપ, અનુપમ એહ વાત કહી ॥૫૧॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિવિરચિતે હૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે પંચદશઃ પ્રસંગઃ ॥૧૫॥

 

હૃદયપ્રકાશઃ સમાપ્તઃ

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫