સ્નેહગીતા
કડવું ૧૦
વેગળાં ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વાલ્યમે વિચાર્યું એવું મનમાંયજી ।
અલબેલે માંડ્યો પછી એહ ઉપાયજી, અક્રૂર આવિયા તેહ સમે ત્યાંયજી ॥૧॥
તેહ સમે અક્રૂર આવ્યા, અને રથ લઈ રૂડા રૂપને ।
રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ॥૨॥
આવીને છોડ્યો આંગણે, નંદરાયને નિરધાર ।
ગોપી વળી ટોળે મળી, વળી કરે છે વિચાર ॥૩॥
આ દિન મોર્યે આવો કોઈ, નંદ ભુવને નથી જો આવિયો ।
બાઈ ગામ નામ પૂછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ॥૪॥
બાઈ સગો નહિ એ શત્રુ છે, કોઈ નંદ યશોદા ગોપને ।
નિશ્ચે કાંઈક નવું નિપજશે,1 તમે દેખજો દૈવના કોપને ॥૫॥
જાવો બાઈ જુવો જૈને, સુણજો વળી એની વાતડી ।
વા’લો થઈ કોઈ વૈરી વસે, આવ્યો એ કરવા ઘાતડી2 ॥૬॥
કોરે તેડી બાઈ કૃષ્ણને, વળી વાત કરો વાલપ વડે ।
હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ॥૭॥
વ્રજજનનું3 જીવન જેહી, તેની જતન ઝાઝી કીજિયે ।
વિઘન માંયથી વા’લી વસ્તુ, બાઈ બચાવિને લીજિયે ॥૮॥
એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।
આ તો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ બાઈ આપણા હરે ॥૯॥
પછી ગોપીયે તેની ગમ્ય4 કાઢી, બાઈ અક્રૂર એનું નામ છે ।
નિષ્કુળાનંદના નાથ સાથે, કાંઈક એને કામ છે ॥૧૦॥ કડવું ॥૧૦॥