સ્નેહગીતા
પદ ૧૧
રાગ: ધોળ (‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એના જેવો ઢાળ)
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ ।
સાંભળજો સ્નેહ સમાન તે શું કહું.
જપ તપ તીર્થ વ્રત જોગ જે, કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો꠶ ॥૧॥
અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો꠶ ।
કોઈ ફળ ફૂલ પય પાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો꠶ ॥૨॥
પુણ્ય દાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મ ધારી નરનાર; સાંભળજો꠶ ।
સર્વે સૂનું એક સ્નેહ વિના, એ તો પ્રપંચનો1 પરિવાર; સાંભળજો꠶ ॥૩॥
જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો꠶ ।
ધ્યાની થાક્યા ધરતાં ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો꠶ ॥૪॥
જતિ2 થાક્યા જતને3 જાળવતાં, મુનિ થાક્યા રે’તા વળી મુન્ય;4 સાંભળજો꠶ ।
બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો꠶ ॥૫॥
કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો꠶ ।
પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો꠶ ॥૬॥
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપે છે આનંદ; સાંભળજો꠶ ।
વા’લો નિષ્કુળાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો꠶ ॥૭॥ પદ ॥૧૧॥
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતા સ્નેહગીતા સંપૂર્ણા ।
સ્નેહગીતા સમાપ્તા