સ્નેહગીતા
કડવું ૨૦
એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી સૂધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।
વિયોગે વિલખે રુવે ધૂમમષે1 રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ॥૧॥
અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા ।
જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ॥૨॥
ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ ।
પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ॥૩॥
ક્યાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પૂછે મળી ।
જ્યારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ॥૪॥
કહે આ જ વનમાં ક્રીડા કરતા, કહે આ જ વનમાં રાસ રમિયા ।
તેહ જ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થિયાં2 ॥૫॥
જેમ જેમ વન જુવે જુવતી, તેમ તેમ કૃષ્ણ સાંભરે ।
વિરહ વાધે અંગ બાધે,3 પછી આંખડિયે આંસુ ઝરે ॥૬॥
સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એંધાણ4 ।
સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ॥૭॥
એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।
પણ કૃષ્ણ વસે મથુરાં માંહે, તે વનમાં જોતાં કેમ જડે ॥૮॥
એમ વન જોઈને જુવતી, વળી ભુવન આવી ભામિની ।
રાજ5 વિના કાંઈ કાજ ન સૂઝે, જેને લાગી લગન શ્યામની ॥૯॥
પ્રાણ પ્યારાની પ્રીત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।
નિષ્કુળાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ॥૧૦॥ કડવું ॥૨૦॥