સ્નેહગીતા

કડવું ૨૬

એહ જો આજ્ઞા ઉદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી ।

પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયેં ઊઠિયા ઉદ્ધવજી વંદના કરીજી ॥૧॥

કરી વંદના ઊઠ્યા ઉદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે ।

કૃષ્ણે કહ્યું તે કરવું ખરું, પણ અળગે ગયે અંતર જળે ॥૨॥

શીશ નમાવીને શીખ1 માગી, જુતો2 રથ ઉપર બેઠા જઈ ।

ત્યારે કૃષ્ણ કહે સુણો ઉદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ॥૩॥

નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી ।

એહના ગુણ ઓશિંગણ3 અમે, થઈ ન શકિયા એક ઘડી ॥૪॥

બહુપેરે એણે બેઉ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।

અર્ધ ઘડી અળગો ન મૂકતાં, જેમ રંક જાળવે રતનને ॥૫॥

અસનપણે અમે હતા અટારા,4 નિત્ય રાવ5 નવલી લાવતા ।

તોયે અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ॥૬॥

વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।

અચપળાઈ6 અમે એવી કરતા, તોયે ન આણ્યો એણે અવગુણજી ॥૭॥

એહ માત પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહ્યે નથી આવતી ।

અમે ન થઈ સેવા એહની, એ તો અમને ખટકે છે અતિ ॥૮॥

તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શીશ ધરજો ।

પછી ગોપીજનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ॥૯॥

શીશ નમાવી વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને ।

કુશળ છે ને કુશળ પુછ્યું, નિષ્કુળાનંદના નાથને ॥૧૦॥ કડવું ॥૨૬॥

કડવું 🏠 home