સ્નેહગીતા
કડવું ૧૩
પિયુ પરિયાણિયા1 મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઉછાવજી2 ।
આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લે’શું કે’શું3 લાવજી4 ॥૧॥
લા’વો લેતાં લાડીલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં5 ।
દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એ’શું રમતાં ॥૨॥
એહ સુખ બાઈ ક્યાંથી સાંપડે, અક્રૂર મૂલે6 આવિયો ।
પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ॥૩॥
જાદવ કુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા ।
આપણે ભાગ્યે અક્રૂર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ॥૪॥
બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।
નિર્દય હોય દગ્ધ7 દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ॥૫॥
હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને8 આડાં ફરજો ।
આ જો લૂંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ॥૬॥
માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।
મરજાદા મૂકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ॥૭॥
જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજિયે ।
પ્રીતમ રે’તાં જો પત્ય9 જાયે, તો જોકશું10 જાવા દીજિયે ॥૮॥
પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।
લોકલાજ વેદવિધિ કર્મ, તે તો તેને કરવાં ટળ્યાં ॥૯॥
એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।
નિષ્કુળાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મૂકીને ॥૧૦॥ કડવું ॥૧૩॥