સ્નેહગીતા

કડવું ૮

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી ।

અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત1 થાય આ દેહનોજી ॥૧॥

દેહતણે દુઃખે કરીને, દલગીર ન થાયે દલમાં ।

દરદ2 દુઃખે દોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ॥૨॥

ગુણ ગ્રે’વા વળી ગોપીકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ ।

સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ॥૩॥

જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયું3

વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયું ॥૪॥

વેણ વજાડી વ્રેહ4 જગાડી, વળી વનમાં તેડી વનિતા ।

તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા5 ॥૫॥

કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે ।

દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ॥૬॥

રાસ રચી ખેલ મચી, વળી વિછોઈ6 ગયા વનમાં ।

રોઈ રોઈ ખોઈ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ॥૭॥

નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।

તોયે હરિનો દોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ॥૮॥

પ્રીતને મગે7 પગ પરઠી,8 વળી પાછી ન ભરી જેને પેનિયો ।

જે શીશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ॥૯॥

લાગી લગન થઈ મગન, વળી તગન9 કર્યાં તન સુખજી ।

નિષ્કુળાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ॥૧૦॥ કડવું ॥૮॥

કડવું 🏠 home