સ્નેહગીતા
કડવું ૨૫
અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી ।
સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ॥૧॥
અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી ।
તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ॥૨॥
એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી ।
સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ॥૩॥
અધ્યાત્મ1 એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી2 ।
એટલો પરમારથ કરો ઉદ્ધવ, તમે મનમાં આણી મે’રજી ॥૪॥
સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।
સમાસ કરજો સારી પેરે, કે’જો તત્ત્વને તમે કથી ॥૫॥
જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।
ઉદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી ॥૬॥
સગુણ3 જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ4 ન જાણ્યો નારીએ ।
તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ॥૭॥
આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।
તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ॥૮॥
અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત5 પડે છે તમ તણી ।
ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજ ભણી ॥૯॥
એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।
નિષ્કુળાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ॥૧૦॥ કડવું ॥૨૫॥