કીર્તન મુક્તાવલી
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
૧-૫૫૭: નરસિંહ મહેતા
Category: ઉપદેશનાં પદો
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... ૧
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે... ૨
નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે... ૩
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહનાં ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે... ૪
ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મનકર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એજ મન એમ સૂઝે... ૫
સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કરજોડી કરી નરસૈયો એમ કહે, જન્મપ્રતિ જન્મ હરિને જ જાચું... ૬
Je game Jagatguru Dev Jagdīshne
1-557: Narsinha Mehta
Category: Updeshna Pad
Je game Jagatguru Dev Jagdīshne, te taṇo kharkharo fok karavo;
Āpaṇo chintavyo artha kāī nav sare, ūgare ek udveg dharavo... 1
Hu karu, hu karu, e ja agnāntā, shakaṭno bhār jem shvān tāṇe;
Sṛuṣhṭi manḍāṇ chhe sarva eṇī pere, jogī Jogeshvarā koīk jāṇe... 2
Nīpaje narthī to koī na rahe dukhī, shatru mārīne sau mitra rākhe;
Rāy ne rank koī draṣhṭe āve nahi, bhavan par bhavan par chhatra dākhe... 3
Rhutu latā patra faḷ fūl āpe yathā, mānavī mūrkh man vyartha shoche;
Jehnā bhāgyamā je same je lakhyu, tehne te same te j pahoche... 4
Granth gaḍbaḍ karī vāt na karī kharī, jehne je game tene pūje;
Mankarma vachanthī āp mānī lahe, satya chhe ej man em sūze... 5
Sukh sansārī mithyā karī mānajo, Kṛuṣhṇa vinā bīju sarva kāchu;
Jugal karjoḍī karī Narsaiyo em kahe, janmaprati janma Harine ja jāchu... 6