ભક્તિનિધિ
પદ - ૩
રાગ: આશાવરી
સંતો અણસમજે એમ બને રે સંતો અણસમજે એમ બને,
તે તો સમઝુને સમજવું મને રે... સંતો૦ । ટેક
ભક્તિ ન ભાવે વેર વસાવે,1 ગાવે દોષ નિશદિને;
અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હે રે... સંતો૦ ॥૧॥
શ્રીખંડ2 સદા શીતળ સુખકારી, તેને દઝાડે3 કોઈ દહને;
અગર4 પણ થાય અંગારા,5 પ્રજાળે6 પ્રવરી વને7 રે... સંતો૦ ॥૨॥
કલ્પતરુ મળ્યે માગ્યો કુઠારો,8 દુર્મતિ થાવા દુઃખને;
જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને9 રે... સંતો૦ ॥૩॥
એમ શઠ10 સુખદથી સારું ન ઇચ્છે, કોઈ પ્રગટ્યે થર11 પાપને;
નિષ્કુળાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપને12 રે... સંતો૦ ॥૪॥ પદ ॥૩॥
કડવું - ૧૩
રાગ: ધન્યાશ્રી
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી13 ।
તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી14 ॥૧॥
રાગ: ઢાળ
રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઈ જીવન પ્રગટ પ્રમાણ ।
પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ ॥૨॥
જોઈ મરજી જગદીશની, શીશ સાટે કરવું સાબિત15 ।
સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હીંમત ॥૩॥
રામનું કામ કર્યું કપીએ,16 લાવી પથ્થર બાંધી પાજ17 ।
અવર18 ઉપાય અળગા19 કર્યા, રામજી રીઝવવા કાજ ॥૪॥
એ જ ધ્યાન એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ ।
એ જ અષ્ટાંગયોગ સાધન, જે આવ્યાં પ્રગટને અરથ ॥૫॥
નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ ।
ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ ॥૬॥
નર ન આવ્યા પશુપાડમાં,20 પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન ।
સમો જોઈ જે સેવા કરે, તે સમાન નહિ સાધન ॥૭॥
વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ ।
માટે જન સમો21 જોઈને, રાજી કરવા શ્રીમહારાજ ॥૮॥
જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઈ તૈયાર ।
તેમાં સમ22 વિષમે23 ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ॥૯॥
એવા ભક્તની ભગતિ, અતિ વા’લી વા’લાને મન ।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, ન હોય કોઈ એને વિઘન ॥૧૦॥