ભક્તિનિધિ

પદ - ૭

રાગ: બિહાગડો

ભક્તિનિધિનો ભંડાર રે સંતો... ભક્તિ,

  તેને શું કહું હું વારમવાર રે... સંતો૦ ।

ભક્તિ કરીને કંઈ સુખ પામ્યા, નર અમર અપાર ।

સુર નર મુનિજન સૌ કોઈ મનમાં, સમજ્યા ભક્તિમાં સાર રે; સંતો૦ ॥૧॥

ઋષિ તપસી વનવાસી ઉદાસી,1 ભાળે ભક્તિમાં ભાર ।

જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચાર રે; સંતો૦ ॥૨॥

આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તે તો ભક્તિ થકી નિરધાર ।

ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝાર2 રે; સંતો૦ ॥૩॥

તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો,3 અતિ અનુપ ઉદાર ।

નિષ્કુળાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફાર રે; સંતો૦ ॥૪॥ પદ ॥૭॥

 

કડવું – ૨૯

રાગ: ધન્યાશ્રી

ફેર નથી રતી4 ભક્તિ છે રૂડીજી, દોયલા5 દિવસની માનજો એ મુડીજી ।

એ છે સત્ય વાત નથી કાંઈ કૂડીજી,6 ભવજળ તરવા હરિભક્તિ છે હૂડીજી ॥૧॥

રાગ: ઢાળ

હૂડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ ।

અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ7 ॥૨॥

સો સો ઉપાય સિંધુ8 તરવા, કરી જુવે જગે જન કોય ।

વહાણ વિનાનાં વિલખાં,9 સમજી લેવાં જન સોય ॥૩॥

તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત ।

માટે ભક્તિ ભજાવવી,10 સમજી વિચારીને સંત ॥૪॥

ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય ।

તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય ॥૫॥

જગજીવન11 વિના જેમ નગ12 ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત ।

તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઈ વાત ॥૬॥

જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણો છે આધાર ।

તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ॥૭॥

જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન ।

તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એ જ જીવન ॥૮॥

જેમ ઝષ13 ન રહે જળ વિના, રહે કીચે14 દાદુર15 કૂર્મ16

તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ17 ॥૯॥

માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ ।

નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ ॥૧૦॥

કડવું 🏠 home