ભક્તિનિધિ
પદ - ૨
રાગ: આશાવરી
સંતો જુવો મનમાં વિચારી રે સંતો જુવો મનમાં વિચારી,
સાચી ભક્તિ સદા સુખકારી રે... સંતો૦ ટેક
જૂઠી ભક્તિ જગતમાં કરે છે, સમઝ્યા વિના સંસારી;
ખોવા રોગ ખાય છે રસાયણ,1 દીધા વિના દરદારી2 રે... સંતો૦ ॥૧॥
વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્ન વારી;3
નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારી4 રે... સંતો૦ ॥૨॥
આ ભવમાં ભુલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી;
જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારી રે... સંતો૦ ॥૩॥
ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી;
નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારી રે... સંતો૦ ॥૪॥ પદ ॥૨॥
કડવું - ૯
રાગ: ધન્યાશ્રી
ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરે છે જન મન પામે છે ખેદજી5 ।
એક બીજાનો કરે છે ઉચ્છેદજી,6 તેનો નથી કેને ઉર નિર્વેદજી7 ॥૧॥
રાગ: ઢાળ
નિર્વેદ વિના ખેદ પામી, કરે છે ખેંચાતાણ ।
નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ ॥૨॥
નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ ।
નિષ્કામ થઈ કોઈ નર કરે, તો શીદ પામે કોઈ ખેદ ॥૩॥
પણ અંતર ઊંડો અભાવ8 છે, બહુ બળ દેખાડે છે બા’ર ।
જ્યાન9 થયું તે જાણતા નથી, કથી10 શું કહીયે વારમવાર ॥૪॥
જેમ લેખક કરમાં લેખ આવે, તે લઈ લેખણ11 લીટો કરે ।
હતો પરવાનો12 પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે?13 ॥૫॥
તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભૂંડાઈનો ।
ખીર બગડી ખારું લૂણ14 પડ્યું, ટળ્યો ઉમેદ15 એના ઉપાઈનો ॥૬॥
તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ16 ।
પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ17 ॥૭॥
માટે નિરમમત18 થઈ નાથની, ભક્તિ કરો ભરી ભાવ ।
નિરાશી19 વા’લા નારાયણને, શીદ બાંધો છો જ્યાં ત્યાં દાવ20 ॥૮॥
સકામ ભક્તિ સહું કરે છે, નથી કરતા નિષ્કામ કોય ।
તેમાં નવનીત21 નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય22 ॥૯॥
ઘોઘે23 જઈ કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોય કામ ।
નિષ્કુળાનંદ એવી ભગતી, નવ કરવી નર ને વામ24 ॥૧૦॥