ભક્તિનિધિ
કડવું – ૩૬
રાગ: ધન્યાશ્રી
ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।
ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી,1 નક્કી વાત ન બેસે નિરાંતેજી ॥૧॥
રાગ: ઢાળ
નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ ।
ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ॥૨॥
દાસપણામાં જે દોષ છે, તે દૃગ આગળ દેખે વળી ।
માટે મોટપ્ય માને નહિ, સમઝે છે રીત એ સઘળી ॥૩॥
ખોટ્ય મોટી એ ખોવા સારુ, કરે ભક્તિ હરિની ભાવે ભરી ।
જાણે ભક્તિ વિના ભાંગશે નહિ, ખોટ એહ ખરાખરી ॥૪॥
માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર ।
ભક્તિમાં જેથી ભંગ પડે, તેથી રહે સદા દૂર ॥૫॥
જાણે જે ઉદ્યમે2 જન્મોજન્મનું, દારિદ્ર્ય દૂર થાય ।
તે ઉદ્યમની આડી3 કરે, તેથી વેરી કોણ કે’વાય ॥૬॥
તેમ ભક્તિ થકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું ।
તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ॥૭॥
જેમ સહુ સહુને સ્વારથે, સાચું રળે4 છે સરવે ।
તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ॥૮॥
મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર ।
બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ॥૯॥
જે તકે જે કામ નીપજે, તે વણ તકે નવ થાય ।
નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ પણ સમજવું મનમાંય ॥૧૦॥