ભક્તિનિધિ
કડવું - ૮
રાગ: ધન્યાશ્રી
ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારું છું મનજી ।
જેસારુ જન કરે છે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી1 ॥૧॥
રાગ: ઢાળ
સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ ।
માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ॥૨॥
જેમ સોનરખથી2 સોનું કરતાં, જોયે સવાલાખ ચડીચોટ3 ।
એક લાખ તૈયે ઊપજે, જાયે પા લાખની ખોટ ॥૩॥
તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ ।
તે સુખ જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ॥૪॥
જેમ વટે4 અમટ5 અરુણ6 ફળ, ખાવા કરે કોઈ ખાંત ।
રાતાં છે પણ રસ નથી, એમ સમજી લેવો સિદ્ધાંત ॥૫॥
તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઈ હામ ।
જેમ અવલ7 ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ ॥૬॥
જેમ ત્રોડતાં ફળ તાડતણાં, થાય મહેનતના બહુ માલ ।
ખાતાં થાય બહુ ખરખરો,8 વળી વાધે શોક વિશાળ ॥૭॥
અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભૂંડી વિષવેલ9 ।
તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ॥૮॥
પંચ્યાણ10 આપે પાંચ રોકડા, લપોડશંખ11 કહે લેને લાખ ।
પણ ગણીને ગાંઠે બાંધ્યાતણી, વળી કોયે ન પૂરે સાંખ12 ॥૯॥
તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય ।
નિષ્કુળાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય ॥૧૦॥