ભક્તિનિધિ
કડવું – ૨૦
રાગ: ધન્યાશ્રી
પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તેપણ સમયે જોઈ કરે સેવનજી ।
સમય વિના સેવા ન કરે કોઈ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ॥૧॥
રાગ: ઢાળ
પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઈને કરે છે સેવ ।
વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ॥૨॥
પરોક્ષને પણ પ્રીતે કરી, સમો જોઈ પૂજે છે સેવક ।
ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઈયે વિધવિધ વિવેક ॥૩॥
સમે દાતણ સમે મર્દન,1 સમો જોઈને લાવીયે નીર ।
સમે ચંદન ચરચિયે, સુંદર શ્યામને શરીર ॥૪॥
સમે વસન2 સમે ભૂષણ,3 સમે સજાવવા શણગાર ।
સમો જોઈ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ॥૫॥
સમે ભોજન સમે શયન, સમે પોઢાડી ચાંપિયે પાય ।
સમા વિના સેવકને, સેવા ન કરવી કાંય ॥૬॥
સમે સામું જોઈ રહી, જોવી કર નયણની4 સાન5 ।
તત્પર થઈ તેમ કરવું, રે’વું સમા પર સાવધાન ॥૭॥
સમે દર્શન સમે પરશન, પૂછવાં તે પ્રેમે કરી ।
સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી ॥૮॥
સમો જોઈ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર ।
સમા વિનાની જે વારતા, તેથી દાસને રે’વું દૂર ॥૯॥
જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું કર જોડીને ।