ભક્તિનિધિ

કડવું – ૨૪

રાગ: ધન્યાશ્રી

એની સેવા કરવી શ્રદ્ધાયજી, તેહમાં કસર ન રાખવી કાંયજી ।

મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી ॥૧॥

રાગ: ઢાળ

તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદપણાને1 પરહરી ।

આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ॥૨॥

અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત ।

માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ॥૩॥

જેમ લોહ2 લુહાર લૈ કરી, ઓરે3 છે અગનિ માંઈ ।

પણ ટેવ4 ન રાખે જો તા તણી,5 તો કામ ન સરે કાંઈ ॥૪॥

એમ પામી પ્રભુ પ્રગટને, સમા પર રે’વું સાવધાન ।

જોઈ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ॥૫॥

જેમ તડિત તેજે6 મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે ।

પરોવે કોઈ હોય પ્રવીણ પૂરા, તેહ તર્ત તૈયાર રહે તકે ॥૬॥

એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો ।

જાયે પલ પાછી જડે નહિ, થાય એ વાતનો બહુ ખરખરો ॥૭॥

જે ખેડુ કોઈ ખેતરમાં, વણ તકે વાવવા જાય ।

તે ઘેરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટિ ઉપાય ॥૮॥

તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન ।

તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જ્યાન ॥૯॥

એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર ।

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ॥૧૦॥

કડવું 🏠 home