ભક્તિનિધિ

કડવું – ૨૩

રાગ: ધન્યાશ્રી

નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી ।

નથી કોઈ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ॥૧॥

રાગ: ઢાળ

કહેવાય નહિ કોઈ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ ।

એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ ॥૨॥

એને નીરખ્યે સહુ નીરખ્યા, એને પૂજ્યે પૂજ્યા સહુ દેવ ।

એને જમાડ્યે સહુ જમ્યા, થઈ સૌની એને સેવ્યે સેવ ॥૩॥

એના થયે થયાં કામ સરવે, એને ભજ્યે ભજી ગઈ વાત ।

એનાં દરશ સ્પર્શે કરી, સર્વે કાજ સર્યાં સાક્ષાત ॥૪॥

સહુની પાર સહુને સરે,1 નર અમરને અગમ અતિ ।

એવી મૂર્તિ જેને મળી, તેને થઈ છે પૂરણ પ્રાપતિ ॥૫॥

સર્વે કાર્ય તેનું સરિયું,2 રહ્યું નહિ અધુરું એક ।

તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી3 જાય વડો વિશેક4 ॥૬॥

પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી ।

અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ॥૭॥

એહ વાત આવી હાથ જેને, તેને કમી5 કહો કાંઈ રઈ ।

પારસ ચિંતામણિ પામતાં, સર્વે વાતની સંકોચ6 ગઈ ॥૮॥

પામ્યા પરમપદ પ્રાપતિ, અતિ અણતોળી અમાપ ।

તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ7 ॥૯॥

અખંડ આનંદ અતિ ઘણો, તે તો પ્રગટ મળે પમાય છે ।

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એહ સમ અવર8 કોણ થાય છે ॥૧૦॥

કડવું 🏠 home